બેન્ક શેર સુધર્યાઃ નિફ્ટી ૮,૪૦૦ને પાર

અમદાવાદ: આજે શરૂઆતે જ નિફ્ટીએ ૮,૪૦૦ની સપાટી ક્રોસ કરી દીધી હતી. વિદેશી શેરબજારમાં સકારાત્મક ચાલ તથા સ્થાનિક બજારમાં વિદેશી રોકાણકારોની ખરીદી વચ્ચે નિફ્ટીએ ૮,૪૦૦ની સપાટી વટાવી દીધી હતી. આજે શરૂઆતે બીએસઇ સેન્સેક્સ ૧૧૩ પોઇન્ટના સુધારે ૨૭,૨૫૩, જ્યારે એનએસઇ નિફ્ટી ૨૮ પોઇન્ટના સુધારે ૮,૪૦૯ની સપાટીએ ટ્રેડિંગમાં જોવા મળી હતી. બેન્ક શેરમાં આગેકૂચ જારી રહેલી જોવા મળી હતી. બેન્ક નિફ્ટીમાં પણ ૯૬ પોઇન્ટનો ઉછાળો નોંધાયો હતો તો બીજી બાજુ યુએસમાં ફાર્મા નીતિ બદલાઇ શકે છે તેવા સેન્ટિમેન્ટ પાછળ ફાર્મા કંપનીના શેર તૂટ્યા હતા. એ જ પ્રમાણે મેટલ શેરમાં પણ વેચવાલી જોવાઇ હતી.

આવતી કાલે ઇન્ફોસિસના રિઝલ્ટ પૂર્વે આજે ઇન્ફોસિસ કંપનીના શેરમાં ૨.૨૭ ટકાનો ઉછાળો નોંધાયો હતો. ઓએનજીસી અને એચડીએફસી કંપનીના શેરમાં પણ ૦.૯૭ ટકાથી ૧.૧૦ ટકા સુધીનો સુધારો નોંધાયો હતો તો બીજી બાજુ ફાર્મા સેક્ટર રેડ ઝોનમાં ખૂલ્યું હતું. ડો. રેડ્ડીઝ લેબ્સ, સન ફાર્મા, સિપ્લા કંપનીના શેરમાં ૧.૩૦ ટકાથી ૧.૮૦ ટકા સુધીનો ઘટાડો નોંધાયો હતો.

આજે શરૂઆતે આઇટી ઇન્ડેક્સમાં ૧.૩ ટકાનો સુધારો નોંધાયો હતો. પાવર અને કેપિટલ ગુડ્સ ઇન્ડેક્સમાં પણ સકારાત્મક ચાલ નોંધાઇ હતી. એ જ પ્રમાણે સ્મોલકેપ અને મિડકેપ સેક્ટરમાં પણ સુધારો નોંધાયો હતો.
http://sambhaavnews.com/

You might also like