પીએનબી શેરમાં આઠ ટકા ઘટાડો, જ્યારે અલાહાબાદ બેન્કનો શેર સાત ટકા તૂટ્યો

મુંબઇ: કરોડો રૂપિયાના ગોટાળામાં ફસાયેલી જાહેર ક્ષેત્રની બેન્ક પીએનબીનાં પરિણામ ગઇ કાલે નબળાં આવતાં આજે આ બેન્કના શેરમાં આઠ ટકાનું ગાબડું પડ્યું છે.

જાહેર કરેલાં પરિણામમાં બેન્કે રૂ. ૧૩,૪૧૭ કરોડની ખોટ નોંધાવી હતી, જેના પગલે આ બેન્કના શેરમાં આઠ ટકાનું ધોવાણ થયું હતું. એ જ પ્રમાણે અલાહાબાદ બેન્ક પર પણ આરબીઆઇએ નિયંત્રણ લાદતાં આ શેરમાં વધુ સાત ટકાનું ગાબડું પડ્યું હતું.

જ્યારે એસબીઆઇ, બેન્ક ઓફ બરોડાના શેરમાં પણ ૧.૩૦ ટકાથી ૧.૯૦ ટકાનો ઘટાડો નોંધાયો હતો.બેન્કિંગ સેક્ટરના જાણકારોના જણાવ્યા પ્રમાણે આવતી કાલે નાણાં વિભાગ તથા બેન્કના સંચાલકો સાથે સમીક્ષા બેઠક થઈ રહી છે, જેમાં વર્તમાન બેન્કોની પરિસ્થિતિની ગંભીરતાપૂર્વક ચર્ચા છેડાય તેવા સેન્ટિમેન્ટ પાછળ મોટા ભાગની જાહેર ક્ષેત્રની બેન્કોમાં પ્રફિટ બુકિંગ નોંધાયું હતું.

દરમિયાન ખાનગી સેક્ટરની બેન્કમાં પણ ઘટાડાની ચાલ જોવાઇ હતી. આઇસીઆઇસીઆઈ બેન્કના શેરમાં પણ ૨.૬૦ ટકાનું ગાબડું પડ્યું હતું. એ જ પ્રમાણે એક્સિસ બેન્ક, યસ બેન્ક, ફેડરલ બેન્કના શેરમાં પણ ૦.૩૦થી ૧.૫૦ ટકાનો ઘટાડો નોંધાયો હતો.

You might also like