બેંક કૌભાંડમાં ૨૦ વર્ષ બાદ નિવૃત્ત કર્મચારીની ધરપકડ!

અમદાવાદ: અંકુર વિસ્તારમાં રહેતા 70 વર્ષીય નિવૃત્ત બેંક કર્મચારીને દર મહિને સીબીઆઇ કચેરીના ધક્કા ખાવાનો દિવસ આવ્યો છે. બેંકની છેતર‌િપંડીના કેસમાં સંડોવાયેલા નિવૃત્ત બેંક કર્મચારીને સીબીઆઇ કોર્ટે 20 વર્ષ પહેલાં ભાગેડુ જાહેર કર્યા હતા, જોકે હકીકત એ છે કે 20 વર્ષ સુધી આ કર્મચારી તેમના ઘરે જ રહેતા હતા અને બેંકમાં નોકરી પણ કરતા હતા. નવાઈની વાત એ છે કે સીબીઆઇ કોર્ટે ઇશ્યૂ કરેલી કોઇ પણ નોટિસ કે બિનજામીનપાત્ર વોરંટ તેમને મળ્યાં જ ન હતાં.

વર્ષ 1993માં દેના બેંકમાં નોકરી કરતા અને ડી, 604 સમર્પણ ટાવર, અંકુરમાં રહેતા ધીરુભાઇ લાભુભાઇ ઠક્કર (રૂપારે‌િલયા) સામે બોગસ ખાતાં ખોલીને કરોડો રૂપિયાની છેતરપિંડીનો આરોપ મુકાયો હતો. આ કેસની તપાસ સીબીઆઇને સોંપાઇ હતી. સીબીઆઇએ ધીરુભાઇ સહિત 10 કરતાં વધુ લોકોની ધરપકડ કરી હતી. વર્ષ 1996માં સીબીઆઇએ સ્પેશિયલ કોર્ટમાં તમામ આરોપીઓ વિરુદ્ધમાં ચાર્જશીટ ફાઇલ કરી હતી.

1996 પછી સીબીઆઇ કોર્ટે તમામ આરોપીઓને હાજર રહેવા માટે નો‌િટસ ઇશ્યૂ કરી હતી, જોકે ધીરુભાઇ ઠક્કર કોર્ટમાં હાજર નહીં રહેતાં તેમના વિરુદ્ધમાં બિનજામીનપાત્ર વોરંટ પણ ઇશ્યૂ કર્યું હતું. તેમ છતાંય ધીરુભાઇ હાજર નહીં રહેતાં સીબીઆઇ કોર્ટે વર્ષ 2007માં તેમને ભાગેડુ જાહેર કર્યા હતા. વર્ષ 2013માં સીબીઆઇ કોર્ટે આ કેસમાં ચુકાદો જાહેર કર્યો હતો તેમાં પણ ધીરુભાઇ ભાગેડુ હતા. થોડાક સમય પહેલાં સીબીઆઇએ ધીરુભાઇની ધરપકડ કરી હતી.

ધીરુભાઇને સીબીઆઇ કોર્ટમાં રજૂ કર્યા હતા. જ્યાં ધીરુભાઇના વકીલ આર. કે. રાજપૂતે તેઓ ભાગેડુ નહીં હોવાના પુરાવા રજૂ કર્યા હતા. ધીરુભાઇ ઠક્કર છેલ્લાં 20 વર્ષથી અમદાવાદ તેમના મકાનમાં રહેતા હોવાના આ સિવાય તેઓ વર્ષ 2007 સુધીમાં દેના બેંકમાં નોકરી કરીને નિવૃત્ત થયા હોવાના પુરાવા રજૂ કર્યા હતા.

સીબીઆઇ કોર્ટે સીબીઆઇની તપાસ પર સવાલ ઊભા કર્યા હતા અને ધીરુભાઇને જામીન પર મુક્ત કર્યા હતા ત્યારે જામીનઅરજીમાં દર મહિને ધીરુભાઇને સીબીઆઇ કોર્ટમાં હાજરી પુરાવવા જવા માટેના પણ આદેશ કર્યા છે. 20 વર્ષ સુધી સીબીઆઇએ આરોપી ધીરુભાઇની ધરપકડ નહીં કરતાં તેમને 70 વર્ષની ઉંમરે સીબીઆઇ કચેરીમાં ધક્કા ખાવાનો દિવસ આવ્યો છે.

You might also like