બેન્કોમાં બચત ખાતા પર વ્યાજદર ઘટવાની શક્યતા

મુંબઇ: નોટબંધી બાદ બેન્કોની ડિપોઝિટમાં મોટા પ્રમાણમાં વધારો થયો છે. બચત ખાતા સહિત ચાલુ ખાતા અને જનધન ખાતાઓમાં પણ મોટા પ્રમાણમાં ડિપોઝિટો જમા થઇ છે. બેન્કોને આ ખાતાંઓ પર મોટા પ્રમાણમાં વ્યાજનું ભારણ ચૂકવવું પડી રહ્યું છે, જે વધારાના આર્થિક ભારણરૂપ છે.

બેન્કિંગ સેક્ટરના નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે બેન્કોને મોટા પ્રમાણમાં વ્યાજ ચૂકવવું પડે છે, જેના કારણે આગામી દિવસોમાં બેન્કોની બેલેન્સશીટ પ્રેશરમાં જોવાઇ શકે છે. બચત ખાતા પર વ્યાજના ઊંચા ભારણના પગલે બેન્કો વ્યાજના દરમાં ઘટાડો કરવાનું મન બનાવી શકે છે.

હાલ સેવિંગ્સ એકાઉન્ટમાં જમા રકમ પર ૪થી ૬ ટકા જેટલું વ્યાજ મળે છે. આ વ્યાજના દર પાછલા કેટલાય સમયથી સ્થિર છે. દરમિયાન કેન્દ્ર સરકારે ૮ નવેમ્બરે જાહેર કરેલી નોટબંધી બાદ એસબીઆઇ સહિત મોટા ભાગની જાહેર ક્ષેત્રની બેન્કોએ લોન પરના વ્યાજના દરમાં ઘટાડો કર્યો છે. તો બીજી બાજુ ડિપોઝિટ પરના વ્યાજના દર સ્થિર રાખતા બેન્કો પર આર્થિક ભારણ વધી રહ્યું છે તેવું બેન્કિંગ સેક્ટરના નિષ્ણાતો જણાવી રહ્યા છે. પંજાબ નેશનલ બેન્કના એમડી અને સીઇઓએ જણાવ્યું કે બેન્કોએ જમા વ્યાજદરમાં ઘટાડો કર્યા વગર માર્જિનલ કોસ્ટ ઓફ ફંડ બેઇઝ લેન્ડિંગ રેટ-એમસીએલઆરમાં ઘટાડો કર્યો છે.
http://sambhaavnews.com/

You might also like