બેન્કો લખાણવાળી-ચોળાયેલી નોટ લેવાનો ઈનકાર ના કરી શકે

મુંબઇ: ચલણી નોટ ચોળાયેલી હોય કે પછી તેના ઉપર લખાયેલું હોય, બેન્કો આવી નોટ લેવાનો ઇનકાર કરી શકે નહીં. રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાને બેન્કો ખાસ કરીને રૂ. ૫૦૦ અને રૂ. ૨૦૦૦ની આ પ્રકારની ચલણી નોટ સ્વીકારવાનો ઇનકાર કરી રહી છે તેવી ફરિયાદ મળી હતી. ત્યારબાદ આરબીઆઇએ સ્પષ્ટતા કરી છે કે આરબીઆઇની માર્ગદર્શિકા મુજબ બેન્કો આ પ્રકારની નોટ સ્વીકારવાનો ઇનકાર ના કરી શકે.

પ્રાપ્ત થતી માહિતી મુજબ પાછલા કેટલાક સમયથી સોશિયલ મીડિયા પર આ પ્રકારના મેસેજ વહેતા થયા હતા કે બેન્કો ચોળાયેલી, ગંદી ચલણી નોટ કે પછી તેના ઉપર કોઇ લખાણ લખાયેલું હોય તેવી ચલણી નોટ લેવાનો ઇનકાર કરી રહી છે. આરબીઆઇએ આ મેસેજ માત્ર અફવા ગણાવી છે અને સ્પષ્ટતા કરી છે કે લખાણના નિર્દેશો બેન્ક સ્ટાફ માટે હતા. તેઓને ચલણી નોટ ઉપર કાંઇ ન લખવાના નિર્દેશો આપ્યા હતા.

આરબીઆઇએ આ પ્રકારના નિર્દેશો ત્યારે આપ્યા કે જ્યારે આરબીઆઇની તપાસમાં માલૂમ પડ્યું કે બેન્કોના મોટા ભાગના અધિકારીઓને ચલણી નોટ ઉપર લખવાની આદત પડી ગઇ છે, જે આરબીઆઇની ‘ક્લીન નોટ પોલિસી’ની વિરુદ્ધમાં છે.
http://sambhaavnews.com/

You might also like