બેન્કના અધિકારી-કર્મચારીઓના પગાર વધશે

(એજન્સી)નવી દિલ્હી: પબ્લિક સેક્ટરની બેન્કના અધિકારી અને કર્મચારીઓના પગારવધારાને લઇ હવે હિલચાલ શરૂ થઇ ગઇ છે. પગારવધારા માટે દોઢ દાયકા બાદ અલગ અલગ વાટાઘાટ થઇ શકે છે. દેશમાં બેન્ક અધિકારીઓના સૌથી મોટા યુનિયને પગારવધારાને લઇ ચાલી રહેલી વાતચીતનો બહિષ્કાર કર્યો છે, જ્યારે કર્મચારીઓ વાતચીત જારી રાખવાની તરફેણમાં છે.

કર્મચારી અને અધિકારીઓ બંને માટે પગારવધારાની બાબતમાં થયેલ આઠમા સેટલમેન્ટ બાદ તેમની વાતચીત એકસાથે થાય છે. પબ્લિક સેક્ટરની ૨૧ બેન્કમાં ૮.૫ લાખ લોકો કામ કરે છે, જેમાંથી ૪,૫૮,૦૦૦ કર્મચારીઓ છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર પગાર-વધારા માટે થનારી સમજૂતી અંગેની વાતચીત માટે કર્મચારીઓ અને અધિકારીઓની અલગ અલગ વાતચીત થશે, પરંતુ હવે ચૂંટણીના કારણે આચારસંહિતાનો અમલ થતાં તેમના પગારમાં થનારો વધારો ઓછામાં ઓછો ત્રણ મહિના પાછો ઠેલાશે. આઇબીએ પગાર-વધારાની ઓફર વધારીને ૧૦ ટકા કરી દીધી છે તેમ છતાં દ્વિપક્ષીય વાતચીત અટકી ગઇ છે, કારણ કે યુનિયનોએ વિરોધ કર્યો છે.

You might also like