બેન્ક નિફ્ટી રેકોર્ડ સ્તરેઃ એક વર્ષમાં મોટા ભાગની બેન્કના શેરમાં ઉછાળો

અમદાવાદ: બેન્કોમાં નોન પર્ફોર્મિંગ એસેટ માટે સમાધાન યોજના લાવવાના કેન્દ્ર સરકાર દ્વારા પાછલા સપ્તાહે અપાયેલા આશ્વાસન બાદ બેન્ક શેરમાં તેજી જોવા મળી હતી. ગઇ કાલે બેન્ક નિફ્ટી રેકોર્ડ સ્તરે પહોંચી ગઇ હતી. પાછલી ૧૭ માર્ચે જોવા મળેલી ઊંચાઇને પણ ક્રોસ કરી દીધી હતી. નોંધનીય છે કે ગઇ કાલે બેન્ક નિફ્ટી છેલ્લે ૧૬૫ પોઇન્ટના સુધારે ૨૧,૩૯૧ પોઇન્ટની સપાટીએ બંધ જોવાઇ હતી. ખાસ કરીને ખાનગી સેક્ટરની જેવી કે એચડીએફસી બેન્ક, કોટક મહિન્દ્રા, ઇન્ડસ ઇન્ડ બેન્ક અને યસ બેન્કના શેરમાં તેજી જોવા મળી હતી. મોટા ભાગની ખાનગી બેન્કના શેર તેના સર્વોચ્ચ સ્તરથી બે ટકા નીચા મથાળે કારોબારમાં છે. દરમિયાન આજે શરૂઆતે બેન્ક નિફ્ટીમાં વધુ આગેકૂચ જારી રહેલી જોવા મળી હતી. બેન્ક નિફ્ટી ૩૬ પોઇન્ટના સુધારે ૨૧,૪૦૦ની સપાટી ક્રોસ કરી ૨૧,૪૨૭ની સપાટીએ ટ્રેડિંગમાં નોંધાઇ હતી.

પાછલા સપ્તાહે નાણાપ્રધાન અરુણ જેટલીએ કહ્યું હતું કે કેન્દ્ર સરકાર બેન્કની એનપીએ પર અંકુશ મૂકવા આરબીઆઈ સાથે મળીને એક નવી યોજના બનાવવા ઉપર ગંભીરતાથી કાર્ય કરી રહી છે. તેમણે જણાવ્યું હતું કે બેન્કોમાં ઊંચી એનપીએમાં ૪૦થી ૫૦ અગ્રણી કંપનીઓનો મોટો હિસ્સો છે.

બજારના જાણકારોના જણાવ્યા પ્રમાણે ચાલુ નાણાકીય વર્ષ બેન્કિંગ શેર માટે સકારાત્મક રહ્યું છે. આ સમયગાળામાં બેન્ક નિફ્ટીમાં ૩૭.૫ ટકા ઉછાળો નોંધાયો છે, જ્યારે તેની સામે સેન્સેક્સમાં ૧૬.૫ ટકા સુધારો જોવાયો છે.
http://sambhaavnews.com/

You might also like