શહેરની બેન્કોમાં ૫૦૦ની નવી નોટોનું આગમન!

અમદાવાદ: વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા રૂ. ૫૦૦ અને ૧૦૦૦ના દરની જૂની નોટો બંધ કરાયા બાદ રૂ. ૫૦૦ અને ૨૦૦૦ની નવી નોટો બહાર પાડવામાં આવશે તેવી જાહેરાત કરાઇ હતી, જેના પગલે અમદાવાદમાં રિઝર્વ બેન્ક દ્વારા છપાયેલી નવી ૫૦૦ રૂપિયાની નોટો આજે કેટલીક બેન્કોમાં પહોંચી હતી. કેટલીક બેન્કો દ્વારા પૈસા બદલાવવા આવતા લોકોને છૂટા પૈસાની જગ્યાએ નવી ૫૦૦ની નોટો આપવામાં આવી હતી. બેન્કોની બહાર સતત આઠમા દિવસે પણ લાઇનો જોવા મળી હતી. લોકો વહેલી સવારથી જ લાઇનોમાં અને એટીએમ બહાર ઊભેલા જોવા મળ્યા હતા.

બેન્કોની અંદર પૈસા બદલાવવા માટે લોકોની લાંબી લાઇનો લાગતાં ઘણી ખરી બેન્કોમાં બપોર સુધીમાં કેશ ખૂટી જતી હતી, જેના કારણે લોકોને હાલાકી પડતી હતી. રિઝર્વ બેન્ક દ્વારા આજથી અમદાવાદમાં આવેલી કેટલીક બેન્કોમાં નવી રૂ. ૫૦૦ની નોટો પહોંચાડવામાં આવી હતી, જેથી બેન્કો દ્વારા પૈસા બદલાવવા આવતા લોકોને નવી રૂ. ૫૦૦ની નોટ આપવામાં આવતી હતી. નવી નોટ આપવામાં આવતાં હવે છૂટા પૈસાનો કકળાટ થોડો ઘણો ઓછો થાય તેવી શક્યતા જણાઇ રહી છે, પરંતુ બેન્કોની બહાર તેમજ એટીએમ પાસે લાઇનો ઓછી થાય તેવી શક્યતાઓ ન‌િહવત્ જણાઇ રહી છે.

You might also like