બેન્કોમાં તરલતા વધતાં લોનના દર ઘટવાની વધતી શક્યતા

મુંબઇ: નોટબદલી પછી નાણાકીય પ્રવાહિતા વધી છે. ઊંચા મૂલ્યની જૂની નોટો મોટા પ્રમાણમાં જમા થવાના કારણે બેન્કોના ભંડોળની પડતરમાં પણ ઘટાડો નોંધાયો છે અને તેના કારણે વ્યાજદરમાં પણ ઘટાડો થયો છે. રિઝર્વ બેન્કે જાહેર કરેલા ડેટા પ્રમાણે ગયા વર્ષથી વ્યાજદર ગણવાની નવી પદ્ધતિ અમલી બન્યા બાદ માર્ચ મહિનામાં બેન્કોના સરેરાશ બેન્ચમાર્ક ધિરાણદર-માર્જિનલ કોસ્ટ ઓફ ફન્ડ્સ-બેઝ લેન્ડિંગ રેટમાં સૌથી મોટો ઘટાડો નોંધાયો હતો.

માર્ચમાં શેડ્યુલ્ડ કોમર્શિયલ બેન્કોની લોનનો સરેરાશ એમસીએલઆર ૦.૧૬ ટકા ઘટીને ૧૦.૮ ટકા નોંધાયો હતો, જે ફેબ્રુઆરી-૨૦૧૭માં ૧૦.૯૬ ટકા હતો. રિઝર્વ બેન્કે એપ્રિલથી માર્કેટ સ્ટેબિલાઇઝેશન સ્કીમ-એમએસએસ દ્વારા એક લાખ કરોડના ટ્રેઝરી બિલનું વેચાણ કર્યા પછી પણ હાલના તબક્કે બેન્કોમાં રૂ. ત્રણ લાખ કરોડની સરપ્લસ નાણાકીય પ્રવાહિતા છે. ૮ નવેમ્બર પહેલાં સિસ્ટમમાં રૂ. ૫૦ હજાર કરોડની ઘટ હતી.

બેન્કિંગ સેક્ટરના જાણકારોના જણાવ્યા પ્રમાણે આરબીઆઇ આગામી દિવસોમાં ઓપન માર્કેટ ઓપરેશન્સ કે માર્કેટ સ્ટેબિલાઇઝેશન સ્કીમ દ્વારા વધુ સરકારી બોન્ડ્સ કે ટ્રેઝરી બિલનું વેચાણ કરે તેવી શક્યતા છે. આરબીઆઇ રિવર્સ રેપો ઓપ્શન દ્વારા વધુ સરકારી બોન્ડ્સ અને ટ્રેઝરી બિલના વેચાણની જાહેરાત કરી શકે કે પછી બેન્કિંગ સિસ્ટમમાંથી નાણાકીય પ્રવાહિતા ઓછી કરવા કેશ રિઝર્વ રેશિયોમાં વધારો કરે તેવી પણ શક્યતા છે.
http://sambhaavnews.com/

You might also like