બેન્ક લોન પર ખરીદેલાં બાઈક અડધા ભાવે વેચી દીધાં

અમદાવાદ: દિવસે દિવસે છેતરપિંડી તથા ડોક્યુમેન્ટ ફ્રોડના બનાવોનો વ્યાપ વધવા લાગ્યો છે. વટવા પોલીસે બોગસ દસ્તાવેજો ઊભા કરીને બેંક લોન પર હપ્તેથી લીધેલાં નવા બાઇકને વેચી મારવાના કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. આ કૌભાંડમાં સંડોવાયેલા માસ્ટરમાઇન્ડની પાંચ બાઇક સાથે પોલીસે ધરપકડ કરીને છેતરપિંડી કરવાની  નવી મોડસઓપરેન્ડીનો ભેદ ખોલ્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર વટવા પોલીસ સ્ટેશનમાં ત્રણેક મહિના પહેલાં સ્થાનિક રહીશે તેનાં નામનું બોગસ બેંક એકાઉન્ટ ખૂલ્યું હોવાની એક અરજી કરી હતી. પોલીસે અરજીની ગંભીરતાથી તપાસ ચાલુ કરી હતી. જેમાં ત્રણ મહિના પછી સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો છે. પોલીસે વટવા વિસ્તારમાં આવેલ સૈયદવાડીમાં રહેતા જાવેદ પઠાણની ગઇ કાલે ધરપકડ કરી છે.

જાવેદ પઠાણ બાઇક તથા કારમાં લોન કરાવી આપવાની ફાઇનાન્સ કંપનીમાં નોકરી કરતો હતો. ચાર મહિના પહેલા જાવેદે વધુ રૂપિયા કમાવવાની લાલચે છેતરપિંડી કરવાનું શરૂ કર્યું હતું. પોલીસ સૂત્રોનાં જણાવ્યા અનુસાર જાવેદ પઠાણ પાસે અસંખ્ય લોકોના ડોક્યુમેન્ટ પડ્યા છે. જેમાં કમ્યૂટરની મદદથી જાવેદ પઠાણ બોગસ ડોક્યુમેન્ટ જેવાં કે લાઇસન્સ , ઇલેકશન કાર્ડ બનાવતો હતો. આ ડોકયુમેન્ટમાં જાવેદ પોતાનો ફોટોગ્રાફ્સ રાખતો અને નામ સરનામું બદલી અન્ય કોઇ વ્યકિતનું રાખતો હતો.

બોગસ ડોક્યુમેન્ટના આધારે જાવેદે નેશનલાઇઝ બેંકમાં ખાતાં ખોલાવ્યાં ત્યાર બાદ બેંકની ચેકબુક લઇને રામોલ, વસ્ત્રાલ જેવા વિસ્તારમાં આવેલા બાઇકના શો રૂમમાંથી હપ્તા પર નવી બાઇક છોડાવી હતી. આરટીઓ રજિસ્ટ્રેશન થઇ જાય ત્યાર સુધી જાવેદ બાઇક ચલાવતો હતો અને ત્યારબાદ 25 થી 30 હજાર રુપિયામાં બાઇક વેચી મારતો હતો.

વટવા પોલીસે સમગ્ર ઘટનાનો પર્દાફાશ કર્યો છે. તપાશનીશ અધિકારી પીએસઆઇ એ.બી. ભટ્ટે જણાવ્યું છે કે જાવેદ પઠાણ અગાઉ બાઇક ચોરીની ઘટનામાં સંડોવાયેલો છે અરજીના આધારે અમે તપાસ શરૂ કરી હતી. જે પૈકી એક બીજી વ્યકિત પોલીસ સ્ટેશનમાં આવી હતી અને તેના નામે બાઇક કોઇ વ્યકિતએ ખરીદ્યું હોવાનો ઘટસ્ફોટ કર્યો હતો. બંને અલગ અલગ કેસમાં ડોક્યુમેન્ટ બેંક તથા શો રૂમ પાસેથી મંગાવતા ફોટોગ્રાફ્સ જાવેદનો હોવાનું સામે આવતાં અમે બાતમીના આધારે તેની ધરપકડ કરી છે.

આ કૌભાંડમાં બેન્કોની બેદરકારી પણ સામે આવી છે. કેટલીક બેન્કની શાખાઓના જવાબદાર કર્મચારી-અધિકારી દ્વારા ડોક્યુમેન્ટ્સની ખરાઇ કરવામાં ગંભીર બેદરકારી રખાઇ હોવાનું પણ જણાઇ રહ્યું છે.

You might also like