બેન્કોમાં શાહી ન પહોંચતાં ટપકાંની શરૂઆત ન થઇ

અમદાવાદ: બેન્કોમાં રૂ.પ૦૦ અને ૧,૦૦૦ના દરની નોટ બદલવા માટે લાંબી લાઇનો લાગી રહી છે. લોકો બેન્કમાં પોતાના બ્લેકના પૈસા વ્હાઇટ કરવા માટે વિવિધ શાખાઓમાં જઇ નોટો બદલાવી રહ્યા છે. જેને રોકવા માટે ગઇ કાલે સરકાર દ્વારા નોટ બદલવા આવનાર વ્યકિતને શાહી લગાવવા બેન્કોને સૂચના અપાઇ છે, પરંતુ બેન્કોમાં હજુ સુધી નિશાન કરવા માટેની ઇન્ક પહોંચી નથી. જેના કારણે લોકો દ્વારા પૈસા બદલી અપાતા નથી. જેનું બેન્કમાં ખાતું છે તેની એન્ટ્રી કરીને પૈસા આપવામાં આવી રહ્યા છે, પરંતુ ખાતા વગરના લોકોને રાહ જોવા સૂચના આપી રહ્યા છે.

એક બેન્કના મેનેજરે નામ ન જણાવવાની શરતે કહ્યું હતું કે બેન્કમાં પ૦ દિવસ સુધી જે ઇન્ક ચલાવવાની છે, લોકોને નિશાન કરવાનુું છે તે હજુ સુધી પહોંચી નથી. જેના કારણે અમે અસંમજસમાં છીએ. બેન્કના ખાતેદારોને હાલ  પૈસા બદલી આપીએ છીએ. ઇન્ક ન મળવાથી અન્ય ખાતેદારોને લાઇનમાં ઊભા રહેવા જણાવાયું છે.અમુક બેન્કોમાં હજુ સુધી સ્ટાફ ન પહોંચતાં લોકોને લાંબી લાઇનમાં ઊભા રહેવાની ફરજ પડી રહી છે. સહકારી બેન્કોમાં જૂૂની નોટ બદલવાના આદેશ છતાં હજુ સુધી કેટલીક

બેન્કો નોટ બદલી નથી આપતી જેના કારણે ખેડૂતો પણ રોષે ભરાયા છે.
બેન્કોમાં શાહી ન પહોંચતાં બેન્કો દ્વારા પૈસા આપવામાં આવી રહ્યા નથી. જેના કારણે લાંબી લાઇનો લાગી રહી છે. લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. આજ સવારથી બેન્કોમાં અને એટીએમમાં લાંબી લાઇનો લાગી ગઇ છે. લોકો સવારથી જ બેન્કો પર પહોંચી ગયા હતા.
પાછલા સપ્તાહે કેન્દ્ર સરકારે રૂ. ૫૦૦ અને ૧,૦૦૦ની ચલણી નોટો રદ કરવાની જાહેરાત કરી હતી. ત્યાર બાદ ગુરુવારથી ઊભી થયેલી પરિસ્થિતિમાં સામાન્ય લોકો જૂની નોટો બદલાવવા વારંવાર બેન્કોનાં ચક્કર કાપતાં હોવાની વિગતો બહાર આવી હતી, જેમાં જરૂરિયાતવાળા લોકો છતાં પૈસે નોટો બદલાવી શકતા નહોતા અને તેના કારણે ભારે હોબાળો થયો છે.

જેના પગલે સરકારે ગઇ કાલે રાતોરાત નાણાં બદલવા આવનાર વ્યક્તિને ઇન્કનું નિશાન લગાવવાની જાહેરાત કરી હતી. ગુજરાત બેન્ક એમ્પ્લોઇઝ એસોસિયેશનના જનરલ સેક્રેટરી જનક રાવલનાં જણાવ્યા પ્રમાણે આજે સવારથી જુદી જુદી બેન્કમાંથી પ્રાપ્ત થયેલી માહિતી મુજબ શહેરની કોઇ બેન્કમાં આ સ્પેશિયલ ઇન્ક પહોંચી નથી. એટલું જ નહીં હજુ ક્યારે પહોંચશે તે અંગે પણ સવાલ છે.

You might also like