બેન્કોમાં ફ્રેન્કિંગની કામગીરી લગભગ ઠપ

અમદાવાદ: સરકાર દ્વારા ૮ નવેમ્બરે રૂ.૫૦૦ અને ૧૦૦૦ની રદ કરાયા બાદ તમામ બેન્ક નોટો જમા કરવાની અને એક્સચેન્જની કામગીરીમાં વ્યસ્ત રહી હોઈ તેની સીધી અસર ફ્રેન્કિંગ સુવિધા પર પડી છે. અમદાવાદ શહેરની મોટા ભાગની બેન્કે હાલમાં ફ્રેન્કિંગ કરી આપવાની સુવિધા કામચલાઉ બંધ કરી દેતાં નોટરી કે અન્ય કોઈ દસ્તાવેજ રજિસ્ટર્ડ કરાવવા ઈચ્છતા નાગરિકો સ્ટેમ્પ પેપર મેળવવા ભાગદોડ કરી રહ્યા છે.

નોટબંધીને પગલે બેન્કનું કામકાજનું ભારણ વધ્યું છે. નોટનાં એક્સચેન્જ અને ડિપોઝિટમાં સમગ્ર સ્ટાફ રોકાયેલો હોઈને ૯મીથી મોટાભાગની બેન્કમાં સ્ટેમ્પ ડ્યૂટી ચૂકવણી કરવા અર્થે થતું ફ્રેન્કિંગ બંધ હોવાથી સ્ટેમ્પ પેપર પર નાના મોટા દસ્તાવેજી કામો કરવા ઈચ્છતા નાગરિકો મુશ્કેલીમાં મુકાયા છે. તેમણે ફરજિયાત સ્ટેમ્પ પેપર લેવા કોર્ટ કે વેન્ડર સુધી જવું પડે છે.

હૂંડી પેપર્સ, બ્રોકર્સ લોન સ્ટેમ્પ, ફોરેન બિલ સ્ટેમ્પ, શેર ટ્રાન્સફર સ્ટેમ્પ, ઈન્સ્યુરન્સ સ્ટેમ્પ, એગ્રીમેન્ટ સ્ટેમ્પ, રેવન્યુ સ્ટેમ્પ, નોન જ્યુડિશયલ સ્ટેમ્પ વગેરે જુદા જુદા સ્ટેમ્પની જરૂરિયાત અર્થે નાગરિકો જે તે દસ્તાવેજ બનાવ્યા બાદ તેટલી જ રકમનું ફ્રેન્કિંગ નજીકની બેન્કમાં કરાવી લે છે. પરંતુ અત્યારે બેન્કે આ કામગીરી બંધ કરતાં નાગરિકો હાલાકી ભોગવી રહ્યા છે.

એટલું જ નહીં નોટરીનો બિઝનેસ પણ અત્યારે અર્ધાથી વધુ ઘટ્યો છે. અમદાવાદમાં આશરે ૬૦૦ જેટલા નોટરી છે. આ અંગે નોટરી એસોશિયેશન ઓફ ગુજરાતના પ્રેસિડેન્ટ ધીરેશ શાહે જણાવ્યું હતું કે છેલ્લા ૧૫ દિવસથી નોટરીનું કામકાજ લગભગ ઠપ જેવું છે. જો ફ્રેન્કિંગ કે સ્ટેમ્પનું વેચાણ થાય તો લોકો નોટરી કરાવવા આવે પરંતુ નોટબંધીને કારણે બંનેની કામગીરીને ફટકો પડ્યો છે.

You might also like