બેન્કમાં હવે ફાઇવ ડે વીક આવશેઃ પાંચ દિવસ બેન્ક વહેલી ખૂલીને મોડી બંધ થશે

નવી દિલ્હી: સામાન્ય લોકો માટે બેન્કોના ખોલવાના અને બંધ કરવાના સમય બદલાઇ શકે છે. હવે શકય છે કે બેન્કો સવારે ૧૦-૦૦ વાગ્યાના બદલે ૯-૩૦ કલાકે ખૂલશે અને સાંજે ૪-૦૦ વાગ્યા સુધી ગ્રાહકો પોતાનાં કામકાજ નીપટાવી શકશે. જો આમ થશે તો બેન્કોમાં ફાઇવ ડે વીક સિસ્ટમ ચાલુ થઇ જશે અને કર્મચારીઓ અઠવાડિયામાં માત્ર પાંચ જ દિવસ કામ કરશે. દર શનિવાર અને રવિવારે બેન્કો બંધ રહેશે.

બેન્કોમાં રોજના કામકાજના કલાકો વધારીને ફાઇવ ડે વીક કરવાની દરખાસ્ત પર સક્રિય વિચારણા ચાલી રહી છે. બેન્કોની સંસ્થા ઇન્ડિયન બેન્ક એસોસિયેશન (આઇબીએ) અને બેન્ક યુનિયનો વચ્ચે આ અંગે પ્રથમ દોરની વાતચીત થઇ ચૂકી છે. આ મહિને બીજા દોરની વાતચીત બાદ આખરી નિર્ણય લેવામાં આવશે.

અત્યારે તમામ બેન્ક કર્મચારીઓ સામાન્યતઃ સાડા છ કલાક કામ કરે છે. તાજેતરમાં બેન્ક યુનિયનોએ જણાવ્યું હતું કે તેઓ ગ્રાહકોને વધારાનો સમય આપવા તૈયાર છે, પરંતુ તેમને ફાઇવ ડે વીક મળવું જોઇએ. હાલ બેન્કોમાં દર બીજા અને ચોથા શનિવારે રજા હોય છે. નેશનલ ઓર્ગેનાઇઝેશન ઓફ બેન્ક વર્કર્સના ઉપાધ્યક્ષ અશ્વિની રાણાએ જણાવ્યું હતું કે જો દરરોજ બેન્કના કામકાજના કલાકો વધશે તો અમને દર શનિવારે રજા મળશે.

સરકારનું માનવું છે કે બેન્કોના ગ્રાહકોની સંખ્યા સતત વધી રહી છે. આ સંજોગોમાં બેન્કોએ કેશ ડિપોઝિટ, નવાં ખાતાં ખોલવા, એફડી બનાવવા, એફડી વટાવવા અને પાસબુકમાં એન્ટ્રી જેવા કામો માટે વધુ સમય ફાળવવો જોઇએ. સરકાર પણ બેન્ક યુનિયનોની માગણી સાથે સૈદ્ધાંતિક રીતે સંમત છે. શનિવારે શેર માર્કેટ બંધ હોય છે અને બિઝનેસ સંબંધિત કામકાજ ઓછું હોય છે. દર શનિ અને રવિવારે બંધ રહેવાથી બેન્કોની ઓપરેશનલ કોસ્ટ પણ ઘટશે. જે દોરમાં ર૪x૭ કામકાજની અનિવાર્ય જરૂરત હોય ત્યાં કોઇ સેકટરમાં ફાઇવ ડે વીકની માગણી આશ્ચર્યજનક છે. બેન્કિંગ સાથે સંકળાયેલા મોટા ભાગ હજુ પણ બેન્ક રૂબરૂ ગયા વગર પૂરા થતાં નથી અને તેથી દર અઠવાડિયે બે રજા ભારે પડી શકે છે એવું એનબીટીનું માનવું છે.

You might also like