…તો આ કારણથી બેંકોમાં પાછલા 50 વર્ષમાં સૌથી ઓછી રકમ થઇ જમા

નોટબંધી જેવી મોટી બાબત છતા બેંકો તેનો ફાયદો ઉઠાવી શકી નથી અને લોકો મ્યુચ્યુઅલ ફંડ તરફ વધુ વળી રહ્યા છે. જેના પગલે માર્ચ 2018માં પૂર્ણ થતા નાણાંકીય વર્ષમાં બેંક ડિપોઝિટ ગ્રોથ ઘટીને પાંચ દાયકાના સૌથી નીચલા સ્તરે આવી ગયો છે.

રિઝર્વ બેંકની વેબસાઇટ અનુસાર, વિત્ત વર્ષ 2018માં બેંકિંગ સિસ્ટમમાં ડિપૉઝિટ 6.7% જેટલી જ વધી જે 1963 બાદ સૌથી ઓછો ગ્રોથ છે. આ બાબતે બેંકર્સનું કહેવું છે કે નોટબંધી બાદ આવેલ રુપિયાનો ઉપાડ અને તેને રોકાણના અન્ય નાણાંકીય પ્રોડક્ટ્સમાં રોકવાના કારણે ડિપોઝિટ ગ્રોથમાં ઘટાડો દેખાય છે. SBIમાં રિટેલ અને ડિજિટલ બેંકિંગના મેનેજિંગ ડિરેક્ટરે કહ્યું કે, ‘નોટબંધી પછી ડિપોઝિટમાં ખૂબ વધારો થયો હતો જેથી ગત વર્ષે ડિપોઝિટ રેટ સૌથી વધુ હતા જ્યારે હવે લોકો આ પૈસા ઉપાડી રહ્યા છે.’

નોટબંધી બાદ નવેમ્બર-ડિસેમ્બર 2016માં બેંકો પાસે 15.28 લાખ કરોડ રુપિયા આવ્યા હતા. જેથી નાણાંકીય વર્ષ 2017માં બેંકોની ડિપોઝિટ 15.8% વધીને 108 લાખ કરોડ થઈ ગઈ હતી.

જોકે આ વર્ષે આ ગ્રોથ માત્ર 6.7% વધી છે જેથી બેંકો પાસે હાલ કુલ ડિપોઝિટ 114 લાખ કરોડ છે. લોકો હવે બચતના પૈસાને વધુ વળતર માટે મ્યુચ્યુઅલ ફંડ અને ઇન્શ્યોરન્સ કંપનીઓના પ્રોડક્ટમાં લગાવી રહ્યા છે. જેની સીધી અસર બેંકોના ડિપોઝિટ ગ્રોથ પર દેખાય છે.નાણાંકીય વર્ષ 2018માં મ્યુચ્યુઅલ ફંડ્સ એસેટ્સ અંડર મેનેજમેન્ટ 22% ના ગ્રોથ સાથે 21.36 લાખ કરોડ રુપિયા થઈ ગયું હતું. જે માર્ચ 2017માં 17.55 લાખ કરોડ રુપિયા હતું.

જ્યારે નાણાંકીય વર્ષ 2016માં આ 42%ના વધારા સાથે 12.33 લાખ કરોડ પર પહોંચી ગયો હતો. ઇન્સ્યોરન્સ કંપનીઓના ફર્સ્ટ પ્રીમિયમ નાણાંકીય વર્ષ 2017થી 1.75 લાખ કરોડથી વધીને 2018માં 1.93 લાખ કરોડ રુપિયા થઈ ગયું છે. જ્યારે નાણાંકીય વર્ષ 2016માં આ રકમ 1.38 લાખ કરોડ જ હતી.

આ અંગે ઇકરામાં ફાઇનાન્શિયલ સેક્ટર રેટિંગ્સના હેડે કહ્યું કે, ‘નોટબંધી બાદ બેંકિંગ સિસ્ટમમાં ખૂબ પૈસા આવ્યા હતા. તેથી જ આ વર્ષે ડિપોઝિટ ગ્રોથના ઘટાડામાં આ બેઝ ઇફેક્ટની ભૂમિકા છે. તો મ્યુચ્યુઅલ ફંડ્સમાં લોકોનો ઇન્ટરેસ્ટ વધી રહ્યો છે. આ વર્ષે વ્યાજ દરોમાં પણ વધારો થઈ રહ્યો છે. તેથી શેર બજાર નબળું પડી શકે છે. જેના કારણે ડિપોઝિટમાં વધારો થઈ શકે છે.’

HDFC બેંક દ્વારા ગત સપ્તાહમાં જ 1 કરોડથી ઓછી રકમની ફિક્સ્ડ ડિપોઝિટ પર વ્યાજ 1 ટકા જેટલું વધાર્યું છે. બેંકરોનું કહેવું છે કે ડિપોઝિટને આજે પણ મ્યુચ્યુઅલ ફંડ્સ અને ઇન્સ્યોરન્સ કંપનીઓની પ્રોડક્ટ કરતા વધુ લિક્વિડ માનવામાં આવે છે.

You might also like