બેન્ક આગામી શુક્ર, શનિ, રવિ સળંગ ત્રણ દિવસ બંધ રહેશે

અમદાવાદ: આગામી શુક્રવારે મહાશિવરાત્રિ હોવાના કારણે બેન્કોમાં રજા રહેશે. એટલું જ નહીં ત્યાર બાદ ચોથો શનિવાર આવે છે તથા રવિવારની રજા પણ છે. આમ, બેન્કોમાં શુક્રવારથી રવિવાર એમ સળંગ ત્રણ દિવસ બેન્કો બંધ રહેશે.

બેન્કોમાં નોટબંધી બાદ ત્રણ મહિના કરતાં પણ વધુનો સમય વીતી ગયો છે તેમ છતાં પણ નાણાકીય અછતના કારણે મોટા ભાગના એટીએમ પૂરી રીતે કામ કરતા થયા નથી. એટલું જ નહીં જે એટીએમમાં નોટો પ્રાપ્ત છે તેમાં રૂપિયા ૫૦૦ અને ૨૦૦૦ની જ ચલણી નોટો પ્રાપ્ત થાય છે, જેના કારણે નાના ગ્રાહકોને રૂ. ૧૦૦ જેવી નાની રકમની ચલણી નોટો લેવામાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આવા ગ્રાહકો નાની નોટો મેળવવા માટે બેન્કો પર જ નિર્ભર રહે છે. આ સંજોગોમાં સળંગ ત્રણ દિવસની રજાના કારણે નાના ખાતેદારોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.
એટલું જ નહીં બેન્કોમાં સળંગ ત્રણ દિવસની રજાના કારણે ચેક ક્લિયરિંગ સહિતનાં બેન્કિંગ અન્ય વ્યવહારો પણ ઠપ થઇ જતા હોય છે.

નોટબંધી બાદ નાણાકીય વ્યવહારો માંડ માંડ પાટે ચઢી રહ્યા છે ત્યારે સળંગ ત્રણ દિવસની રજાના કારણે વેપારીઓને બેન્કિંગ વ્યવહારમાં પારાવાર મુશ્કેલી અનુભવવી પડશે. આ અંગે મહાગુજરાત બેન્ક એમ્પ્લોઇઝ એસોસિયેશનના પ્રેસિડેન્ટ રાગેશ સરૈયાના જણાવ્યા પ્રમાણે શુક્રવારે મહાશિવરાત્રિ આવી રહી છે તેના કારણે બેન્કોમાં રજા છે. ત્યાર બાદ ચોથા શનિવાર અને રવિવાર એમ સળંગ ત્રણ રજા રહેશે, જેથી બેન્કોના કામકાજને અસર થવાની ભીતિ સેવાઇ રહી છે.

You might also like