બેન્કો પાસે કાર્ડની ફરિયાદોનો વરસાદ

નવી દિલ્હી: નોટબંધી બાદ કેન્દ્ર સરકાર દેશભરમાં ડેબિટ અને ક્રેડિટ કાર્ડનો ઉપયોગ વધારવાની તૈયારીમાં લાગી છે પરંતુ બેન્કો પોતાના ગ્રાહકોની સમસ્યાને દૂર કરવા તૈયાર છે ? અત્યાર સુધી તો લોકોને નિરાશાજનક અનુભવો થયા છે. બેન્કો વિરુદ્ધ જેટલી ફરિયાદો અાવે છે તેમાં ૨૧ ટકા માત્ર ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ અને અેટીએમ સાથે જોડાયેલી હોય છે.

દિલ્હી-એનસીઅારમાં તો કાર્ડ સંબંધિત ફરિયાદોનો અાંકડો ૩૫ ટકા સુધીનો છે. અત્યાર સુધી ભારતીય રિઝર્વ બેન્ક કે નાણાં મંત્રાલયના સ્તર પર અા ફરિયાદો સામે લડવાની વ્યવસ્થા થઈ શકી નથી.  અારબીઅાઈના વાર્ષિક બેન્કિંગ અોમ્બુડ્સમેન રિપોર્ટ મુજબ ૨૦૧૫-૧૬ દરમિયાન દેશભરમાં બેન્કો વિરુદ્ધ કુલ ૧,૦૨,૮૯૪ ફરિયાદો અાવી. તેમાંથી ૨૧,૮૨૧ ફરિયાદો ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ અને એટીએમ સંબંધિત હતી. અા પ્રકારે બેન્કિંગ અોમ્બુડ્સમેન્ટના દરવાજા ખખડાવનાર પાંચમાંથી એક ગ્રાહક એવું હતું જેની ફરિયાદ કાર્ડને લઈને હતી. તેનાથી પણ ચિંતાજનક વાત અે છે કે ગયા વર્ષે કાર્ડ સંબંધિત ફરિયાદોમાં ખાસ્સો વધારો થયો છે.

વર્ષ ૨૦૧૪-૧૫માં બેન્કો વિરુદ્ધ કાર્ડ સંબંધિત ૧૮,૧૨૩ ફરિયાદો અાવી હતી. અા રીતે એક વર્ષની અંદર જ તેમાં ૨૦ ટકાથી વધુનો વધારો થયો છે. તેના કરતાં પણ ચોંકાવનારી વાત અે છે કે રાજધાની દિલ્હી અને એનસીઅારમાં બેન્કો વિરુદ્ધ જેટલી ફરિયાદો અાવી તેમાંથી ૩૩થી ૪૦ ટકા કાર્ડ સંબંધિત હતી. અા રીતે રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્રમાં અાજે બેન્કો વિરુદ્ધ દરેક ત્રીજી ફરિયાદ કાર્ડ સાથે જોડાયેલી હોય છે.

જો અાવા સંજોગોમાં બેન્કોઅે ગ્રાહકોની કાર્ડ સંબંધિત ફરિયાદોનું સ્થાયી સમાધાન ન કર્યું તો સરકારની લેસ કેશ અર્થવ્યવસ્થાને ઝટકો લાગી શકે છે. જો શહેરી ક્ષેત્રોમાં બેન્કો પાસે કાર્ડ સંબંધિત ફરિયાદો અાટલી હોય તો ગ્રામીણ વિસ્તારોનું તો કહેવું જ શું. રિપોર્ટ મુજબ બેન્કો વિરુદ્ધ અાવેલી કાર્ડ સંબંધિત ૨૧,૮૨૧ ફરિયાદોમાંથી ૧૩,૦૮૧ એટીએમ અને ડેબિટ કાર્ડ માટેની હતી. તેમાંથી મોટાભાગની ફરિયાદો એટીએમમાંથી કેશ ન નીકળવાની કે એટીએમ ફ્રોડ અંગેની હતી.
http://sambhaavnews.com/

You might also like