બાંગ્લાદેશના આતંકવાદી અબ્દુલ્લા પાસેથી બગદાદીનું ઘોષણાપત્ર મળ્યું

લખનૌ: ઉત્તર પ્રદેશના દેવબંધથી ધરપકડ કરાયેલા બાંગ્લાદેશી આતંકવાદી અબ્દુલ્લાને યુપી એટીએસ આજે લખનૌ કોર્ટમાં રજૂ કરશે અને પોલીસ તેના રિમાન્ડ મેળવશે. હાલ અબ્દુલ્લા ટ્રાન્ઝિસ્ટ રિમાન્ડ પર છે અને દેવબંધથી તેને લખનૌ લાવવામાં આવ્યો છે.

આતંકી અબ્દુલ્લાની સાથે ફૈઝાન ફરાર છે, પરંતુ ફૈઝાનના રૂમમાંથી ઉર્દૂ અને બાંગ્લાદેશી જેહાદી સાહિત્ય ઉપરાંત બગદાદીનું ઘોષણાપત્ર, બોમ્બ બનાવવાનું પુસ્તક, આતંક અને પાકિસ્તાની જાસૂસી સંસ્થા આઇએસઆઇ સાથે સંકળાયેલું સાહિત્ય મળ્યું છે. આ ઉપરાંત એટીએસને અન્ય અનેક પ્રકારની વાંધાજનક ચીજવસ્તુઓ મળી છે.

શકમંદ ફૈઝાનના રૂમમાંથી એટીએસને અલ કાયદા ઇન ઇન્ડિયન સબ કોન્ટિનેન્ટ (એકયુઆઇએસ)ની ત્રીજી એડિશન પણ હાથ લાગી છે. એકયુુઆઇએસના પ્રમુખ અસીમ ઉમરનું પુસ્તક પણ તેની પાસેથી મળી આવ્યું છે. એટીએસને મળેલી જાણકારી અનુસાર અબ્દુલ્લાએ ર૦૧૧થી ર૦૧પ સુધી મુઝફફરનગર અને દેવબંધના કેટલાય મદરેસાઓમાં મૌલવી અને અરબીનો અભ્યાસ કર્યો હતો. આ વર્ષે તે બાંગ્લાદેશથી ભારત આવ્યો હતો અને ચુપચાપ દારુલ ઉલુમની નજીક રહેવા લાગ્યો હતો.

અબ્દુલ્લાએ ર૦૧૧માં દારુલ ઉલુમની પરીક્ષા આપી હતી, પરંતુ તેનું એડમિશન થઇ શકયું નહોતું. તે નકલી વોટરકાર્ડ અને પાસપોર્ટ બનવવામાં સફળ રહ્યો હતો. તેની પૂછપરછમાં કેટલાય મહત્ત્વના સુરાગ મળવાની શકયતા છે.

You might also like