ટી-૨૦માં બાંગ્લાદેશ સામે મુનરોએ ૫૪ બોલમાં ૧૦૧ રન ઝૂડ્યા

બે ઓવલઃ અહીં પ્રવાસી બાંગ્લાદેશ અને ન્યૂઝીલેન્ડ વચ્ચે શ્રેણીની બીજી ટી-૨૦ મેચમાં બાંગ્લાદેશે ટોસ જીતીને ફિલ્ડિંગ કરવાનું પસંદ કર્યા બાદ ખરાબ શરૂઆત છતાં ન્યૂઝીલેન્ડના બેટ્સમેનોએ તોફાની બેટિંગ કરીને નિર્ધારિત ૨૦ ઓવરમાં સાત વિકેટે ૧૯૫ રનનો પહાડ જેવો સ્કોર ખડક્યો હતો. આ જબરદસ્ત સ્કોરમાં ત્રીજા નંબર પર બેટિંગ કરવા કોલિન મુનરોનો ફાળો મહત્ત્વપૂર્ણ રહ્યો હતો. તેણે ફક્ત ૫૪ બોલમાં જ સાત ચોગ્ગા અને સાત છગ્ગા સાથે ૧૦૧ રન ઝૂડી કાઢ્યા હતા. એ સિવાય બ્રૂસે ૩૯ બોલમાં અણનમ ૫૯ રનનું યોગદાન આપ્યું હતું.

આ સિવાય અન્ય કોઈ બેટ્સમેન મોટી ઇનિંગ્સ રમી શક્યો નહોતો. મેચના પ્રથમ બોલ પર જ ન્યૂઝીલેન્ડનો ઓપનર રોંચી મૂર્તઝાનો શિકાર બન્યો હતો. ત્યાર બાદ એક તબક્કે ૪૬ રનના કુલ સ્કોર પર વિલિયમ્સન, એન્ડરસન જેવા સ્ટાર બેટ્સમેન પણ પેવેલિયનમાં પાછા ફર્યા હતા. જોકે ચોથી વિકેટ માટે મુનરો અને બ્રૂસની જોડી જામી હતી અને આ બંનેએ ટીમનો સ્કોર ૪૬ રનથી આગળ ધપાવીને ૧૬૯ રન સુધી પહોંચાડી દીધો હતો. આ જ સ્કોર પર મુનરો ૧૦૧ રન બનાવી રુબેલ હુસેનની બોલિંગમાં આઉટ થયો હતો.

આ બંને ખેલાડીએ ચોથી વિકેટની ભાગીદારીમાં ૧૨૩ રન ઉમેર્યા હતા. ન્યૂઝીલેન્ડનો અન્ય કોઈ બેટ્સમેન મોટી ઇનિંગ્સ રમી શક્યો નહોતો. બ્રૂસ ૫૯ રન બનાવી અણનમ રહ્યો હતો. લક્ષ્યનો પીછો કરવા ઊતરેલી બાંગ્લાદેશની શરૂઆત બહુ જ ખરાબ રહી હતી અને એક તબક્કે તેમનો સ્કોર ત્રણ વિકેટે ૪૩ રન થઈ ગયો હતો. તમિમ ઇકબાલ ૧૩ રને, કાયેસ શૂન્ય રને અને શાકિબ અલ હસન એક રન બનાવીને આઉટ થઈ ગયા હતા. રહેમાન ૧૫ રને અને સૌમ્ય સાત રને બેટિંગ કરી રહ્યા હતા.
http://sambhaavnews.com/

You might also like