બાંગ્લાદેશે પણ પાકિસ્તાન પ્રવાસનો પ્રસ્તાવ ઠુકરાવ્યો

ઢાકાઃ બાંગ્લાદેશે પણ પાકિસ્તાન તરફથી મળેલ બે ટી-૨૦ મેચની શ્રેણી રમવાના પ્રસ્તાવને ઠુકરાવી દીધો છે. આ શ્રેણી બંને દેશની ટીમ વચ્ચે આ વર્ષે જુલાઈ પહેલાં રમાવાની હતી. બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (બીસીબી)ની મીડિયા અને સંચાર સમિતિના ચેરમેન જલાલ યુનિસે ગઈ કાલે આ વાત જણાવી હતી.

યુનિસે કહ્યું, ”પાક.માં રમવા અંગે આવેલો અહેવાલ સંતોષજનક નહોતો અને આથી અમે પારોઠનાં પગલાં ભર્યાં.” ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટની વાપસી માટે ધમપછાડા કરી રહેલા પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે બાંગ્લાદેશને ત્રણ સપ્તાહ પહેલાં લાહોરમાં પૂરી થયેલી પાકિસ્તાન સુપર લીગ બાદ બે ટી-૨૦ મેચની શ્રેણી રમવાનો પ્રસ્તાવ મોકલ્યો હતો. પીએસએલના ફાઇનલ મુકાબલામાં બીસીબીના પ્રતિનિધિ મેજર એ.કે.એમ. અનિસુદ ડોલા હાજર રહ્યા હતા.

પીસીબીના ચેરમેનપદેથી રાજીનામું આપી ચૂકેલા શહરયાર ખાને તાજેતરમાં જ કહ્યું હતું, ”અમે બાંગ્લાદેશ સામે શ્રેણીની યજમાની કરવા ઇચ્છીએ છીએ. અમારા કેટલાક મિત્રોને લાગે છે કે તેઓ પાક. પ્રવાસે આવી શકે છે, પરંતુ મને લાગે છે કે બાંગ્લાદેશ નહીં આવે. આની પાછળ રાજકીય કારણ નહીં, બલકે સુરક્ષા સંબંધી કારણો છે. આઇસીસીની બેઠક દરમિયાન હું મારા બાંગ્લાદેશી સમકક્ષ સાથે વાત કરીશ અને બાંગ્લાદેશ સાથે આ શ્રેણી રમાય તેવી કોશિશ કરીશ.”
http://sambhaavnews.com/

You might also like