શ્રીનિવાસન ICCમાં આવશે તો બાંગ્લાદેશ-શ્રીલંકા ભારતને સાથ નહીં આપે

નવી દિલ્હીઃ જો બીસીસીઆઇ એન. શ્રીનિવાસનને પોતાના પ્રતિનિધિના રૂપમાં આઇસીસી બોર્ડની બેઠકમાં મોકલવાનો નિર્ણય કરશે તો ભારતીય ક્રિકેટ બોર્ડના પ્રસ્તાવિત બંધારણીય અને નાણાકીય સુધારાઓને રોકવાનાં પગલાંને જોરદાર ઝટકો લાગી શકે તેમ છે.

એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે મોટા ભાગનાં રાજ્ય એકમો બીસીસીઆઇની ખાસ સામાન્ય સભામાં શ્રીનિવાસનનું સમર્થન કરશે, જે આગામી તા. ૯ એપ્રિલે યોજાવાની છે, પરંતુ આ પગલાંનો અર્થ એ થશે કે બાંગ્લાદેશ અને શ્રીલંકા ફરી ભારતનું સમર્થન નહીં કરે. બીસીસીઆઇના એક સૂત્રએ જણાવ્યું, ”બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (બીસીબી) શ્રીનિવાસનથી ઘણું સાવચેત છે.

બીસીબી ઓસ્ટ્રેલિયામાં ૨૦૧૫ના વિશ્વકપમાં આઇસીસીના અધ્યક્ષ મુસ્તફા કમાલના અપમાનને ભૂલ્યું નથી. જો શ્રીનિવાસન આઇસીસીની બોર્ડ બેઠકમાં બીસીસીઆઇની પસંદગી હશે તો બાંગ્લાદેશ નિશ્ચિત રીતે જ ભારતની સાથે નહીં હોય.” એટલે સુધી કે શ્રીલંકા પણ આવું જ કંઈક વિચારી રહ્યું છે. આવી જ સ્થિતિ ઝિમ્બાબ્વે સાથે પણ છે અને ભારતને આ સુધારાઓને રોકવા માટે આ ત્રણેય મતની બહુ જ જરૂર છે.

http://sambhaavnews.com/

You might also like