દેખાડી દઈશું કે અમે શું કરી શકીએ છીએઃ રહીમ

નવી દિલ્હીઃ બાંગ્લાદેશના કેપ્ટન મુશફિકુર રહીમે કહ્યું છે કે અમે હૈદરાબાદમાં આગામી સપ્તાહે રમાનારી એકમાત્ર ટેસ્ટ મેચમાં શાનદાર પ્રદર્શન કરી દુનિયાને દેખાડી દઇશું કે અમે શું કરી શકીએ એમ છીએ. રહીમે કહ્યું, ”હું એ અંગે નથી વિચારી રહ્યો કે અમે ભારતમાં કેટલાં વર્ષ બાદ રમી રહ્યા છીએ. અમે એવું પ્રદર્શન કરવા માગીએ છીએ કે ભારત અમને વારંવાર રમવા બોલાવે. મારા માટે આ ફક્ત ‍વધુ એક ટેસ્ટ મેચ છે.” આ ટેસ્ટ મેચ પહેલાં બાંગ્લાદેશ ભારત-એ સામે બે દિવસીય પ્રેક્ટિસ મેચ પણ રમવાનું છે. બાંગ્લાદેશ વર્ષ ૨૦૦૦માં આઇસીસીનું પૂર્ણ સભ્ય બન્યા બાદ ભારતમાં પહેલી વાર ટેસ્ટ મેચ રમવાનું છે.

મુશફિકુરે જોકે આ એકમાત્ર ટેસ્ટને ઐતિહાસિક માનવાનો ઇનકાર કરીને કહ્યું, ”હું થોડો હેરાન છું. મને આ ઐતિહાસિક ટેસ્ટ નથી લાગતી. દા. ત. જો અમે ઝિમ્બાબ્વે વિરુદ્ધ રમીએ તો દબાણ વધુ હશે, કારણ કે હારવાથી અમારે શરમનો સામનો કરવો પડે છે.” ૨૯ વર્ષીય રહીમની ભારતના પ્રવાસ માટે વાપસી થઈ છે. આ પહેલાં તે આંગળીની ઈજાને કારણે ન્યૂઝીલેન્ડ સામે રમી શક્યો નહોતો.

રહીમે જણાવ્યું, ”અમને એનાથી કોઈ ફરક નથી પડતો કે અમે કઈ પરિસ્થિતિમાં રમી રહ્યા છીએ. ટીમ શાનદાર પ્રદર્શન કરશે. અમારી ટીમ ઘણી સંતુલિત છે, જેમાં ફાસ્ટ બોલિંગ, સ્પિન અને બેટિંગમાં ઘણી ઊંડાઈ છે. ભારત બોલિંગ અમારા બેટ્સમેનો માટે પડકારજનક રહેશે. જો એક ટીમના રૂપમાં અમે સારું રમીશું તો કોઈ પણ ટીમને હરાવી શકીએ છીએ. ભારત મજબૂત ટીમ છે અને પોતાના ઘરઆંગણે રમવાની છે.”
http://sambhaavnews.com/

You might also like