બાંગ્લાદેશમાંથી ૨૬૦ લોકો લાપતાઃ ISમાં જોડાયાની શંકા

નવી દિલ્હી: આતંકવાદી સંગઠનનો ગઢ બની ચૂકેલા બાંગ્લાદેશમાંથી છેલ્લા કેટલાક દિવસથી ૨૬૦ લોકો લાપતા થઈ ગયા છે. લાપતા થયેલા આ તમામ લોકો આઈઅેસ સાથે જોડાઈ ગયા હોવાની અેક અધિકારીએ આશંકા વ્યકત કરી છે. ગુમ થયેલા લોકોમાં મોટાભાગના યુવાનો છે. અને જો આવી વાત સાચી ઠરે તો બાંગ્લાદેશ પર ફરી મોટા આતંકવાદી હુમલા થવાની સંભાવના છે.

અા અંગે મળતા અહેવાલ મુજબ બાંગ્લાદેશની પોલીસ હાલ લાપતા લોકોની તપાસ કરી રહી છે. દેશની સુરક્ષા દળ રેપિડ અેકશન બટાલિયનના પ્રવકતા મુફતી મહંમદ ખાને ગઈકાલે જણાવ્યું કે આતંકવાદી હુમલાની ઘટના બાદ ત્રાસવાદીઓ સામે શરૂ કરેલા અભિયાન અંતર્ગત આ યુવકોની તપાસ કરવામાં આવી રહી છે. તેમણે વધુમાં જણાવ્યું કે જે લાપતા યુવકોની તપાસ થઈ રહી છે તેમાં અનેક યુવાનો સેનાના અધિકારીઓના તેમજ અન્ય સરકારી અધિકારીના પુત્ર છે.

આ અંગે પ્રવકતાએ જણાવ્યું કે અમારે કોઈપણ સંજોગોમાં આવા લાપતા લોકોને શોધવા પડશે. કારણકે આવા લોકો દેશ માટે ખતરારૂપ સાબિત થઈ શકે છે. આ માટે પોલીસે પણ લોકોને આવા યુવાનની ભાળ મળે તો તે અંગે જાણ કરવા સૂચના આપી છે. અને તેમજ દેશના તમામ લોકોને જણાવવામાં આવ્યું છે કે જો તેમના પરિવારમાંથી આ રીતે કોઈ યુવકો ગુમ થયા હોય તો તે અંગે પોલીસને જાણ કરવા જણાવાયું છે.

ઢાકાના કાફે પર થયેલા આતંકવાદી હુમલા બાદ હસીના સરકારે તમામ સ્કૂલો,કોલેજ અને સરકારી વિભાગમાંથી અેક વર્ષમાં લાપતા થયેલા લોકો અંગે જાણકારી આપવા જણાવ્યું હતું. અને તેમાંથી ૨૬૦ લોકો ગુમ થયાની માહિતી મળી છે.

You might also like