પીચ પર બેસી ક્યુરેટર રાજુએ ‘નારાયણ’ને યાદ કરી લીધા

બેંગલુરુઃ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બીજી ટેસ્ટ દરમિયાન ખેલાડીઓથી વધુ નજર પીચ પર છે. આવું એટલા માટે છે, કારણ કે પુણે ખાતેની પહેલી ટેસ્ટની ખરાબ પીચને કારણે મેચ અઢી દિવસમાં ખતમ થઈ ગઈ હતી. હવે બીજી ટેસ્ટની પૂર્વ સંધ્યાએ બેંગલુરુના મુખ્ય પીચ ક્યુરેટર નારાયણ રાજુ પીચ પર લાંબા સમય સુધી બેસીને વિચાર કરતા નજરે પડ્યા હતા. તેમને આવું કરતા જોઈને ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ ઓપનર મેથ્યુ હેડનની યાદ આવી ગઈ. હેડન પણ કોઈ મેચ પહેલાં આવી જ રીતે પીચ પર લાંબો સમય સુધી બેસી રહેતો હતો અને ધ્યાન કેન્દ્રિત કરતો હતો.

ચિન્નાસ્વામી સ્ટેડિયમના ક્યુરેટર રાજુ નારાયણ પીચ પર સખત નજર રાખી રહ્યો છે અને પીચ પર બેસીને એ જ વિચારી રહ્યો હશે કે આ ટેસ્ટ સારી રીતે પૂરી થાય. આ જ કારણે તે આખો દિવસ મેદાનમાં હાજર રહે છે.

અગાઉ મેથ્યુ હેડન પણ ૨૦૦૪ અને ૨૦૦૮ના ભારત પ્રવાસ દરમિયાન ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં પીચ પર આવી જ રીતે ધ્યાન કેન્દ્રિત કરીને બેઠેલો જોવા મળ્યો હતો, પરંતુ તેના માટે આ મેદાન સફળ સાબિત થયું નહોતું. હેડન ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં બે ટેસ્ટ રમ્યો અને ૧૭.૨૫ રનની સરેરાશથી માત્ર ૬૯ રન જ બનાવી શક્યો હતો.
http://sambhaavnews.com/

You might also like