બેંગલુરુમાં ટીમ ઇન્ડિયાએ જબરદસ્ત પ્રેક્ટિસ કરી

બેંગલુરુઃ ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા સામે પુણે ટેસ્ટમાં ૩૩૩ રનથી હારી ગઈ. હવે યજમાન ટીમ બેંગલુરુમાં દમદાર વાપસી કરવા ઇચ્છે છે, જેની શરૂઆત તેણે ગઈ કાલથી આકરા પ્રેક્ટિસ સેશન સાથે કરી છે. બેંગલુરુના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં ભારતીય ટીમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ બપોરના સત્રમાં ઓસ્ટ્રેલિન ટીમે પ્રેક્ટિસ કરી હતી.

ભારતીય ટીમ સવારે ૯.૧૫ વાગ્યે મેદાન પર આવી ગઈ હતી. સૌથી પહેલાં મુખ્ય કોચ અનિલ કુંબલેએ પીચનું નિરીક્ષણ કર્યું હતું. વિકેટ પર થોડું ઘાસ જોવા મળ્યું હતું, જેના પર કુંબલેએ ઘણો સમય વિતાવ્યો હતો. સમગ્ર પ્રેક્ટિસ સેશન દરમિયાન ભારતીય ટીમ હળવાશના મૂડમાં જોવા મળી હતી, જેના પરથી એવું લાગતું હતું કે પ્રત્યેક ખેલાડી આગામી ટેસ્ટ માટે ફક્ત જીત પર ધ્યાન લગાવી રહ્યો છે.

સ્લિપ ફિલ્ડિંગ પર ખાસ ધ્યાન
હાર્દિક પંડ્યા અને જયંત યાદવે બેટિંગની શરૂઆત કરી હતી, જ્યારે અજિંક્ય રહાણે અને કેપ્ટન વિરાટ કોહલીએ સ્લિપ ફિલ્ડિંગની જોરદાર પ્રેક્ટિસ કરી હતી. બીજી તરફ ભારતના ટોચના ક્રમના બેટ્સમેન મુરલી વિજય, લોકેશ રાહુલ અને ચેતેશ્વર પૂજારાએ કોચ અનિલ કુંબલેની નજર હેઠળ બેટિંગનો અભ્યાસ કર્યો હતો. વિજયે પહેલાં સ્પિનર્સનો સામનો કર્યો હતો, જ્યારે રાહુલે ફાસ્ટ બોલર્સ સામે પ્રેક્ટિસ કરી હતી. એ દરમિયાન પૂજારાએ થ્રો ડાઉન પર ડાઇવ અને કટ શોટ રમવાની પ્રેક્ટિસ કરી હતી.

ભારતીય ટીમના મહાન લેગ સ્પિનર અનિલ કુંબલેએ બેટ્સમેનોને સ્પિન સામે પ્રેક્ટિસ કરવામાં મદદ કરી હતી. તેણે અશ્વિન, ચાઇનામેન કુલદીપ યાદવની સાથે પ્રેક્ટિસ સેશનમાં બોલિંગ પણ કરી હતી. ઉલ્લેખનીય છ કે આ દરમિયાન જાડેજા પ્રેક્ટિસ સેશનમાં જોડાયો નહોતો. પ્રેક્ટિસ સેશનમાં પણ કુંબલે, અશ્વિન અને કુલદીપની ત્રિપુટીએ બેટ્સમેનોને બહુ જ પરેશાન કર્યા હતા.

કોહલી-રહાણેની દમદાર પ્રેક્ટિસ
કેચ પ્રેક્ટિસ કર્યા બાદ કેપ્ટન કોહલી અને રહાણેએ બેટિંગની જબરદસ્ત પ્રેક્ટિસ કરી હતી. બંનેએ ત્રણેય રીતે (થ્રો ડાઉન, સ્પિનર્સ અને ફાસ્ટ બોલર્સ)ની પ્રેક્ટિસ કરી. રહાણે પ્રેક્ટિસ સેશનમાં એક વાર ઉમેશ યાદવનો શિકાર બન્યો હતો. ઈશાંત શર્માએ નાના રનઅપ સાથે બોલિંગ કરી હતી. ભુવનેશ્વરે પણ સારી એવી બોલિંગ પ્રેક્ટિસ કરી હતી.

મોહંમદ શામી અને અક્ષર પટેલની સરપ્રાઇઝ એન્ટ્રી
ઘૂંટણની ઈજામાંથી સાજા થઈ રહેલા મોહંમદ શામીએ પ્રેક્ટિસ સેશન દરમિયાન સરપ્રાઇઝ એન્ટ્રી કરી હતી. તેણે ટીમના બધા ખેલાડીઓ સાથે મુલાકાત કરી હતી. આ ઉપરાંત ડાબોડી સ્પિનર અક્ષર પટેલ પણ પ્રેક્ટિસ સેશનમાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે શામી અને પટેલ ઈજામાંથી સાજા થવા માટે એનસીએમાં પ્રેક્ટિસ કરી રહ્યા છે. રોહિત શર્મા, ધવન કુલકર્ણી અને અમિત મિશ્રા પણ હાલ એનસીએમાં હાજર છે, પરંતુ આમાંથી કોઈ પ્રેક્ટિસ સેશન દરમિયાન નજરે પડ્યા નહોતા.
http://sambhaavnews.com/

You might also like