બનારસ કલ જીત ગયે હૈ, અબ પોલિંગ બૂથ જીતના બાકીઃ મોદી

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસભા ચૂંટણી માટે વારાણસીની બેઠક પરથી પોતાનું ઉમેદવારીપત્ર ભરતાં પહેલાં ભાજપના બૂથ કાર્યકરોને એક હોટલમાં સંબોધન કરતાં જણાવ્યું હતું કે બનારસ-કાશીને જીતવાનું કામ તો ગઈ કાલે જ પૂરું થઈ ગયું. હવે માત્ર પોલિંગ બૂથ જીતવાનું બાકી છે. મોદી હારે કે જીતે તે ગંગામૈયા જોઈ રહી છે, પરંતુ મારા બૂથના કાર્યકરો હારવા જોઈએ નહીં. આપણું લક્ષ્ય પોલિંગ બૂથ જીતવાનું જ હોવું જોઈએ. તેમણે જણાવ્યું હતું કે આ આપણે આપણા મતદાનના તમામ રેકોર્ડ બ્રેક કરવાના છે.

ભાજપના બૂથ કાર્યકરોને સંબોધતાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે કાલે હું જે દૃશ્ય જોઈ રહ્યો હતો તેમાં તમારા પરસેવાની મહેક આવી રહી હતી. હું પણ બૂથ કાર્યકર રહી ચૂક્યો છું. મને પણ દીવાલ પર પોસ્ટર લગાવવાનો અનુભવ છે. તેમણે જણાવ્યું હતું કે મેં પાંચ વર્ષ પાર્ટીને પૂરતો સમય આપ્યો છે. પાંચ વર્ષ મેં સરકાર ચલાવી છે અને ઈમાનદારીથી ચલાવી છે.

કાર્યકર્તા હોવાના નાતે હું મારા કામ અને કર્તવ્યને લઈ અત્યંત સજાગ પણ છું. આ વખતે તો હું નહીં, પરંતુ દેશની જનતા ચૂંટણી લડી રહી છે. દેશની જનતાએ પોતાનું મન મનાવી લીધું છે. પહેલી વાર લોકોએ જોયું કે સરદાર ચાલે પણ છે. મોદી કેટલા વોટથી જીતે છે તેનું મહત્ત્વ નથી. હું ગુજરાતમાં ઈચ્છતાે હતો કે પુરુષોની તુલનાએ મહિલાઓનું મતદાન ૫ ટકા વધુ થવું જોઈએ. આ વખતે વારાણસીમાં આવું જ થવું જોઈએ.

તેમણે જણાવ્યું હતું કે પાંચ વર્ષમાં એક કાર્યકર તરીકે પાર્ટીએ મારી પાસે જેટલો સમય માગ્યો છે તે માટે મેંં ના પાડી નથી. કાર્યકારી સમિતિની બેઠકમાં પણ હું એક કાર્યકર તરીકે પૂરો સમય બેઠો હતો. તેમણે જણાવ્યું હતું કે પીએમ, સાંસદ અને કાર્યકરોના નેતા પાંચ વર્ષ સુધી સજાગ રહ્યા હતા. વડા પ્રધાને જણાવ્યું હતું કે આપણે એક ગોવાળ જેવા છીએ અને ભારતમાતાની સેવા કરી રહ્યા છે.

You might also like