પાકિસ્તાનમાં હાફિઝ સઈદના જુમ્માના ભાષણ પર પ્રતિબંધ: ૧ર૦થી વધુ આતંકી કસ્ટડીમાં

(એજન્સી) ઈસ્લામાબાદ: પુલવામા આતંકી હુમલા બાદ ચોતરફથી વધતા જતા વૈશ્વિક દબાણ બાદ આખરે પાકિસ્તાન સરકારે જમાત-ઉદ-દાવા અને તેના ચીફ હાફિઝ સઈદ સામે કડક કાર્યવાહી શરૂ કરવી પડી છે. મુંબઈ આતંકવાદી હુમલાના માસ્ટર માઈન્ડ હાફિઝ સઈદ પર પાકિસ્તાનના પંજાબ પ્રાંતના લાહોરમાં જમાત-ઉદ-દાવા (જેયુડી)ના હેડ ક્વાર્ટરમાં જુમ્માની નમાજ બાદ ભાષણ આપવા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર પાકિસ્તાનની પંજાબ પ્રાંતની સરકારે આતંકી સંગઠન જમાત-ઉદ-દાવાના હેડ ક્વાર્ટરને પણ પોતાના કબજામાં લઈ લીધું છે.

આજે એવું પહેલી વાર બનશે કે હાફિઝ સઈદ લાહોરમાં હોવા છતાં પણ જુમ્માની નમાજ બાદ ભાષણ આપી શકશે નહીં. આજદિન સુધી એના ભાષણ પર ક્યારેય પણ રોક લગાવવામાં આવી નથી. પંજાબ સરકારના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે પંજાબ પોલીસે જામિયા મસ્જિદ કદસિયાને સીલ કરી દીધી છે. સઈદને શુક્રવારે પોતાનું સાપ્તાહિક ભાષણ આપવા માટે પરિસરમાં જ પ્રવેશવા નહીં દેવાય.

જમાત-ઉદ-દાવાના જ એક સંગઠન ફલાહ-એ-ઈન્સાનિયતની ઓફિસ પર પણ સરકારે કબજો કરી લીધો છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે ગુરુવારે આખી રાત પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. લાહોરના ચોબુર્જી વિસ્તારમાં આવેલી જમાત-ઉદ-દાવાની મસ્જિદ અને મદરેસા પર પણ સરકારે કબજો જમાવ્યો છે.

પોલીસ અધિકારીએ જણાવ્યું કે હાફિઝ સઈદે પંજાબ સરકારને વિનંતી કરી હતી કે તેને કદસિયા મસ્જિદમાં શુક્રવારે ભાષણ આપવાની મંજૂરી આપવામાં આવે પણ તેની વિનંતી ફગાવી દેવામાં આવી હતી. સઈદનો પ્રભાવ હોવા છતાં પણ સરકારે કરેલી આ કડક કાર્યવાહીને ખૂબ અગત્યની ગણવામાં આવે છે. પહેલી વખત સરકારે સઈદના ભાષણ કરવા ઉપર પ્રતિબંધ લાદ્યો છે.

પાકિસ્તાન પ્રશાસને પ્રતિબંધિત સંગઠનો પર કડક કાર્યવાહી કરતાં જેયુડી અને એફઆઈએફનાં હેડ ક્વાર્ટર સીલ કરી દીધાં છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ૧ર૦થી વધુ આતંકીઓને પોલીસે કસ્ટડીમાં લીધા છે. પંજાબના ગૃહ વિભાગે જારી કરેલા એક નિવેદનમાં જણાવ્યું છે કે રાષ્ટ્રીય કાર્ય યોજના (એનએપી) હેઠળ સરકારે લાહોર અને મુરીદકેમાં જેયુડી અને એફઆઈએફના હેડ ક્વાર્ટરને સીલ કરીને તેના ઉપર કબજો જમાવી દીધો છે.

ગૃહ વિભાગે જણાવ્યું કે સરકાર પ્રાંતમાં પ્રતિબંધિત સંગઠનોની મસ્જિદો, મદરેસાઓ અને અન્ય સંસ્થાઓનું નિયંત્રણ પોતાના હાથમાં લઈ રહી છે. પંજાબ સરકારે હાલ જેયુડીના મુરીદકે હેડ ક્વાર્ટર અને લાહોરમાં બે ઓફિસમાં ઓછામાં ઓછા છ પ્રશાસક નિયુક્ત કર્યા છે.

હાફિઝ સઈદ પર ડિસેમ્બર- ર૦૦૮માં સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદે પ્રતિબંધ લગાવ્યો હતો. તેને નવેમ્બર-ર૦૧૭માં પાકિસ્તાનમાં નજરકેદમાંથી મુક્ત કરવામાં આવ્યો હતો. અમેરિકાએ તેને જૂન-ર૦૧૪માં વૈશ્વિક આતંકવાદી જાહેર કર્યો હતો. જેયુડી લશ્કર-એ-તોઈબાનું ટોચનું સંગઠન છે.

You might also like