બલુચિસ્તાનની આઝાદી માટે બુગતીનો બુલંદ અવાજ, પાક સેનાને આપી ચેતાવણી

બલુચિસ્તાનઃ બલોચ રિપલ્બિકન પાર્ટીના અધ્યક્ષ બ્રહમદાગ ખાન બુગતીએ આઝાદી માટે બુલંદ અવાજ ઉઠાવ્યો છે. તેણે પાકિસ્તાન સાથે વાતચીત કરતા પહેલાં પાકિસ્તાનની સેનાને બલુચિસ્તાન ખાલી કરવાનું જણાવ્યું છે. બુગતીએ ચેતાવણી આપી છે કે પાકિસ્તાની સેના આવું નહીં કરે તો વર્ષ 1971થી પણ ખરાબ પરીણામ આવી શકે છે.

બુગતીએ બલૂચિસ્તાનના લોકો પર પાકિસ્તાન દ્વારા થઇ રહેલા અત્યાચાર સામે પોતાનો વિરોધ વ્યક્ત કર્યો છે. સાથે જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આભાર માન્યો છે. તેમણે કહ્યું છે કે ઇસ્લામાબાદમાં બેઠેલા પાકિસ્તાની અધિકારીઓનો ઉદ્દેશ્ય બલૂચ લોકોને સંપૂર્ણ રીતે ખતમ કરી નાખવાનો છે. બુગતીએ આ મુદ્દો ન ઉઠાવવા મામલે પાકિસ્તાની મીડિયાની પણ ઝાટકણી કરી છે.

બુગતીએ એક વીડિયો મેસેજમાં સંદેશો આપ્યો છે કે પાકિસ્તાની સરકાર અને મીડિયા જે રીતે પ્રતિક્રિયાઓ આપી રહી છે. તે હેરાન કરી દે તેવી જ નહીં પરંતુ નિમ્ન કક્ષાની છે. પાકિસ્તાન સરકાર, સેના અને મીડિયાની રણનીતિ બલોચ લોકોને નષ્ટ કરવાની છે. બુગતએ જણાવ્યું છે કે પાકિસ્તાની મીડિયા બલૂચ નેતાઓના નિવેદનોને ખોટી રીતે રજૂ કરે છે. તે લોકોને મૂર્ખ બનાવવાનું કામ કરે છે.

બુગતીએ પાકિસ્તાની સેના પર આરોપ લગાવ્યો છે કે હવે લોકોએ બલૂચિસ્તાનના મુદ્દાને ઉઠાવવાનો શરૂ કર્યો છે. ત્યારે તેને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ થઇ રહ્યો છે. બુગતીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે બલૂચ લોકો વાત કરવા તૈયાર છે પરંતુ પાકિસ્તાની સેના બલુચિસ્તાન છોડી દે. અમે છેલ્લા 50 વર્ષથી સમાનતા અધિકાર સાથે પાકિસ્તાનનો હિસ્સો બનવાનો પ્રયાસ કરી રહ્યાં છે. હવે અમે નિર્ણય કર્યો છે કે પાકિસ્તાન અમારી સાથે જબરજસ્તી ન કરી શકે. પાકિસ્તાન ક્યારે પણ અમારો દેશ ન હતો. અમારી પણ દબાણ રાખીને પાકિસ્તાન સાથે રહેવા જમબુર કરવામાં આવ્યા છે.

You might also like