દુનિયાભરમાં નવા વર્ષની શાનદાર ઉજવણી: ટાઈમ્સ સ્ક્વેર પર બોલ ડ્રોપ ઈવેન્ટ યોજાઈ

નવી દિલ્હી: ભારત, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ સહિત દુનિયાભરમાં ભવ્ય આતશબાજી અને અદમ્ય ઉત્સાહ સાથે નવા વર્ષનું સ્વાગત કરવામાં આવ્યું છે. રાજધાની નવી દિલ્હીથી લઈને મુંબઈ, શિમલા અને ગોવામાં શાનદાર અંદાજમાં લોકોએ નવા વર્ષને વધાવ્યું હતું.

ન્યૂઝીલેન્ડના ઓકલેન્ડમાં દર વર્ષની જેમ સૌથી પહેલા નવા વર્ષની ઉજવણી શરૂ થઈ હતી. ત્યાં ભારતીય સમય પ્રમાણે સાંજે ૪.૩૦ કલાકે વર્ષ ર૦૧૯નું સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ઓસ્ટ્રેલિયાના સિડનીમાં ભારતીય સમય અનુસાર સાંજે ૬.૩૦ વાગ્યે ઉજવણી શરૂ થઈ હતી. ઉલ્લેખનીય છે કે ન્યૂઝીલેન્ડનો સમય ભારત કરતા ૭.૩૦ કલાક આગળ છે. આથી અહીં દર વર્ષે નવા વર્ષનો જશ્ન સૌથી પહેલા શરૂ થાય છે.

રાત્રે ૧ર.૦૦ વાગ્યાથી જ આમ તો નવા વર્ષ ર૦૧૯ને વધાવી લેવામાં આવ્યું હતું. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, વડા પ્રધાન નરેન્દ્ર મોદી સહિત અનેક દિગ્ગજ નેતાઓએ નવા વર્ષના આરંભે દેશવાસીઓને શુભકામનાઓ આપી છે. રાષ્ટ્રપતિ કોવિંદે ટ્વીટમાં જણાવ્યું કે નવા વર્ષના અવસરે તમામ લોકોને હાર્દિક શુભકામનાઓ.

હું કામના કરું છું કે આ નવું વર્ષ આપણા પરિવાર, દેશ અને સમગ્ર વિશ્વમાં ખુશીઓ, શાંતિ અને સમૃદ્ધિ લાવે તથા આપણને દેશના વિકાસ અને પ્રગતિના પ્રયાસોમાં એકજૂટ થવા માટે પ્રેરિત કરે. પીએમ મોદીએ ટ્વીટ કરીને ન્યૂ યરની શુભેચ્છાઓ આપતા જણાવ્યું કે તમામ લોકોને વર્ષ ર૦૧૯ની શુભકામનાઓ. હું કામના કરું છું કે આ વર્ષ પણ તમામના જીવનમાં ખુશીઓ, સમૃદ્ધિ અને સારું સ્વાસ્થ્ય લઈને આવે.

નવા વર્ષના પહેલા દિવસે મુંબઈના પ્રખ્યાત સિદ્ધિવિનાયક મંદિરમાં વિશેષ આરતી કરવામાં આવી હતી, જેમાં હજારો ભક્તો ઊમટી પડ્યા હતા. પંજાબમાં પણ સુવર્ણ મંદિરને રોશનીથી શણગારવામાં આવ્યું છે. ગઈકાલે રાતે ૧ર વાગ્યે દિલ્હી, મુંબઈ, ગોવા, શિમલા સહિતના શહેરોમાં લોકો રસ્તા પર ઉજવણી કરતા નજરે પડ્યા હતા.

ન્યૂયોર્કના ટાઈમ્સ સ્ક્વેર ખાતે દર વર્ષની જેમ આ વર્ષની શરૂઆતમાં પણ બોલ ડ્રોપ ઈવેન્ટ યોજાઈ હતી, જેમાં ઘણા લોકોએ ભાગ લીધો હતો. સ્કોટલેન્ડની રાજધાની એડિનબર્ગમાં લગભગ ૮૦ હજાર લોકો પરંપરાગત રીતે નવા વર્ષની ઉજવણી કરવા માટે એકઠા થયા હતા.

પ્રવાસીઓનું સ્વર્ગ ગણાતા દુબઈમાં પણ અનેક સ્થળોએ મી ટીવી સ્ક્રીન લગાવવામાં આવી હતી, જેના પર આરબ દેશો અને દુનિયાભરમાં નવા વર્ષને વધાવવાની ઉજવણી ચાલી રહી હતી તેનું જીવંત પ્રસારણ કરવામાં આવ્યું હતું.

You might also like