બાલીના જ્વાળામુખીમાં ફરીથી વિસ્ફોટ શરૂઃ ઓરેન્જ એલર્ટ

જાકાર્તા: ઈન્ડોનેશિયાના બાલી દ્વીપ પર જ્વાળામુખીમાંથી રાખના ઢગે ઢગ બહાર નીકળવાના શરૂ થઈ ગયા છે. રાખના ઢગ બે કિ.મી. ઊંચા ઊઠી રહ્યા છે. આ ઘટનાને ધ્યાનમાં રાખીને જ્વાળામુખી અંગે જારી કરાયેલ ઓરેન્જ એલર્ટ અકબંધ રાખવામાં આવી છે.

ઈન્ડોનેશિયાની નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એજન્સીના માહિતી ડાયરેક્ટર સુતોપો પૂર્વો નુગ્રોહોએ જણાવ્યું હતું કે જ્વાળામુખીમાંથી શુક્રવારે સવારે ફરીથી વિસ્ફોટ શરૂ થઈ ગયા છે અને તેમાંથી નીકળી રહેલી રાખ પશ્ચિમ તરફ ફેલાઈ રહી છે. તેના કારણે બાલીથી ૪૦ કિ.મી. દૂર લંબોક દ્વીપના એરપોર્ટ પર વિમાનોની અવરજવર પ્રભાવિત થઈ શકે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે જ્વાળામુખી માઉન્ટ અગુંગમાં ૨૧ નવેમ્બર વિસ્ફોટ થવાનું શરૂ થઈ ગયું હતું તેમાંથી નીકળેલી રાખ અને ધુમાડાના ગોટાને કારણે બાલી એરપોર્ટ કેટલાય દિવસ સુધી બંધ કરવું પડ્યું હતું. તકેદારીને પગલે જ્વાળામુખીના નજીકના વિસ્તારોમાંથી એક લાખોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે. આ જ્વાળામુખીમાં છેલ્લે ૧૯૬૩માં પ્રચંડ વિસ્ફોટ થયો હતો અને તેમાંથી નીકળેલા ધગધગતા લાવાની ચપેટમાં આવવાના કારણે ૧૬૦૦ લોકોનાં મોત થયાં હતાં.

You might also like