હિંદી અને સાઉથ વચ્ચે સંતુલનઃ અમાયરા

વર્ષ ૨૦૧૩માં ‘ઈશક’ ફિલ્મથી બોલિવૂડમાં આવનારી અમાયરા દસ્તૂરે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ચાર વર્ષ પૂર્ણ કર્યાં છે. ૨૦૧૫માં ફિલ્મ ‘અનેગન’થી તે સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો ભાગ બની ગઇ. બોલિવૂડ ને દક્ષિણ ભારતીય ફિલ્મોમાં અંતરને લઇ અમાયરા કહે છે કે બંનેમાં માત્ર ભાષાનું અંતર છે. તે અનુસાર જ્યારે મેં સાઉથમાં મારી પહેલી ફિલ્મનું શૂટિંગ કર્યું ત્યારે હું ખુદને થોડી અલગ અલગ અનુભવતી હતી, કેમ કે ફિલ્મ સાથે જોડાયેલા તમામ લોકો તામિલ હતા. તેથી મુખ્ય રીતે તેઓ તામિલમાં વાત કરતા હતા. પહેલાં તો તેમનો એક પણ શબ્દ મારી સમજમાં આવતો ન હતો. ધીમે ધીમે તેઓ મારાથી સહજ થયા. તેમણે મને પોતાની વાતચીતમાં સામેલ કરી.

હાલમાં અમાયરા બોલિવૂડ અને સાઉથ વચ્ચે સંતુલન સાધવાની કોશિશ કરી રહી છે. તેણે કહ્યું કે તેને બંને ફિલ્મ ઇન્ડસ્ટ્રી એકસરખી પસંદ છે, પરંતુ હું દક્ષિણમાં વધુ કામ કરી રહી છું, કેમ કે મને જે સ્ક્રિપ્ટ મળે છે તે ખૂબ જ સારી હોય છે અને પ્રોડક્શન હાઉસ પણ સારાં છે. અમાયરાની પ્રાથમિકતા ફિલ્મનો વિષય છે. તે કહે છે કે દુનિયાની કોઇ પણ ભાષાની, પરંતુ સારી સ્ટોરી પર કામ કરવા હું ઉત્સુક છું. ફિલ્મોની સંખ્યાના બદલે હું તેની ગુણવત્તા પર ધ્યાન આપું છું. ‘ઇશક’ બાદ અમાયરા બોલિવૂડમાં ‘મિ. એક્સ’ અને ‘કૂંગ ફૂ યોગા’ ફિલ્મમાં જોવા મળી હતી. ખૂબ જ જલદી તે ‘કલાકંદી’ ફિલ્મમાં સૈફઅલી ખાન સાથે જોવા મળશે.

You might also like