બાલાહનુમાન એક્સપ્રેસની મફત મુસાફરીનો લાભ બહુ અોછા લોકો લઈ શકે છે

અમદાવાદ: એએમટીએસના સત્તાવાળાઓ દ્વારા અનેક વખત એક અથવા બીજા રૂટનું અચાનક જ ડાઇવર્ઝન કરીને સેંકડો ઉતારુને હેરાન-પરેશાન કરવામાં આવે છે. જો સત્તાધીશો બીઆરટીએસના રૂટ પરથી એએમટીએસ બસને દોડાવે તો તેની સૂચના એએમટીએસના બસ સ્ટેન્ડ પર લખાતી નથી, જેના કારણે પણ ઉતારુઓ હાલાકીમાં મુકાય છે, બીજી તરફ બાલાહનુમાન એક્સપ્રેસ જેવી એએમટીએસની મફત બસનો લાભ તંત્રની બેદરકારીથી સ્થાનિક લોકો સિવાય અન્ય લોકો મેળવી શકતા નથી.

તાજેતરમાં એએમટીએસના સત્તાવાળાઓએ 6 રૂટની વધુ ૪૯ બસને બીઆરટીએસ કોરિડોરમાં દોડાવવા લીધી છે, પરંતુ તંત્ર દ્વારા એએમટીએસ સ્ટેન્ડ પર આને લગતી કોઇ પણ પ્રકારની જાણકારી કે નો‌ટિસ લગાવાઇ નથી, જેના કારણે ઉતારુઓ કલાકો સુધી બસ સ્ટેન્ડ પર બેસી રહે છે. બીજી તરફ બાલાહનુમાન સર્ક્યુલર એક્સપ્રેસ બસ સેવા કે જે ઉતારુઓ માટે મફત સેવા છે તેનો લાભ અજાણ્યા ઉતારુઓ લઇ શકતા નથી.

ભદ્રકાળી મંદિરના પરિસરથી ઉપડતી બાલાહનુમાન એક્સપ્રેસ બસ ગાંધીરોડથી કાલુપુર રેલવે સ્ટેશન બહારથી ‌રિલીફરોડ થઇને ભદ્રકાળી મંદિર પરત ફરે છે. ચાર મહિના અગાઉ આ બસ સેવા શાસકો દ્વારા ઉતારુ માટે શરૂ કરવા પાછળનો આશય ગાંધીરોડ અને ‌રિલીફરોડ જેવા વ્યસ્ત માર્ગ પરના ટ્રાફિકના દબાણને ઘટાડવાનો રહ્યો હતો, જોકે ભદ્રકાળી મંદિર પરિસરમાં આ બસ સેવાની વિસ્તૃત માહિતી આપતું બસ સ્ટેન્ડ હજુ સુધી મુકાયું નથી.

ફક્ત કાંરજ પોલીસ સ્ટેશન પાસે લાઇટના એક ઊંચા થાંભલા પર ઝાડની ડાળખીઓથી ઢંકાયેલા ભદ્રકાળી મંદિર (રૂટ નં.) ૩ એટલી નાની વિગત દર્શાવતું બોર્ડ લટકાવેલું છે. લાલ દરવાજા ટ‌િર્મનસ જેવા ઉતારુઓથી ધમધમતા ટ‌િર્મનસમાં પણ સત્તાવાળાઓએ પાસેના ભદ્રકાળી મંદિરથી ગાંધીરોડ અને ‌રિલીફરોડને સાંકળી લેતી મફત બસ સેવા શરૂ કરાવી છે તેવી માહિતી આપવાની તસ્દી લીધી નથી. પરિણામે અહીંના પાથરણા બજારમાં ખરીદી કરવા માટે આવતા નાગરિકો પણ આ મફત બસ સેવાથી વાકેફ નથી.

You might also like