જર્મન બેકરી કેસમાં મીરજા બેગની ફાંસીની સજા આજીવન કેદમાં ફેરવાઈ

728_90

મુંબઈ: મુંબઈ હાઈકોર્ટે 2010ના જર્મન બેકરી બ્લાસ્ટ કેસમાં ઈન્ડિયન મુજા‌િહદ્દીનના આતંકવાદી મીરજા હિમાયત બેગને નીચલી કોર્ટે ફરમાવેલી ફાંસીની સજાને આજીવન કેદમાં ફેરવવા આદેશ આપી મહારાષ્ટ્ર પોલીસને આંચકો આપ્યો છે.
હાઈકોર્ટે સાક્ષીઓના અભાવે અને ફરિયાદ પક્ષ આરોપો સાબિત કરવામાં નિષ્ફળ જતાં આવો ચુકાદો આપ્યો છે. બેગને પુણેની અદાલતે 19 એપ્રિલ, 2013ના રોજ ફાંસીની સજા ફરમાવી હતી. ન્યાયમૂર્તિ નરેશ પાટીલ અને ન્યાયમૂર્તિ એસ.બી. શુક્રેની પીઠે બેગની અપીલના આધારે આ ચુકાદો આપ્યો છે.

પીઠે તેના આદેશમાં તેને ગેરકાનૂની પ્રવૃત્તિ વિરોધક કાનૂનના તમામ આરોપ અને ભારતીય દંડસંહિતાની કલમ 120બી, 302 અને 307 તથા વિસ્ફોટક સામગ્રી કાનૂનને લગતી કેટલીક કલમમાંથી નિર્દોષ જાહેર કર્યો છે. પરંતુ હાઈકોર્ટે વિસ્ફોટક સામગ્રી કાનૂનની કલમ 5 (બી) હેઠળ આરડીએકસ રાખવાના આરોપમાં થયેલી આજીવન કેદની સજાને યથાવત્ રાખી છે. અદાલતે તેને ‌િસમકાર્ડ ખરીદવા બોગસ પુરાવા તૈયાર કરવામાં પણ દોષિત ગણાવ્યો છે.

13 ફ્રેબ્રુઆરી, 2010ના રોજ પુણેની જર્મન બેકરીમાં સાંજે થયેલા વિસ્ફોટમાં 17 લોકો માર્યા ગયા હતા અને 58ને ઈજા થઈ હતી. આ બેકરી પુણેના કોરેગામ પાર્ક વિસ્તારમાં આવેલી છે અને આ વિસ્તારમાં જ ઓશો આશ્રમ અને યહૂદીઓનું એક કેન્દ્ર હોવાથી બેકરીમાં મોટી સંખ્યામાં વિદેશી નાગરિક આવતા હતા. હિમાયત બેગ આ કેસમાં દોષિત જાહેર કરાયેલો આરોપી હતો.

You might also like
728_90