નિઃસંતાનને સંતાન દેનારાં મા બહુચરાજી

શહેરના લાલ દરવાજા વિસ્તારમાં ભદ્રના કિલ્લા પાસે ભદ્રકાળી માતાનાં મંદિરનાં સાંનિધ્યમાં, પ્રેમાભાઇ હોલ તથા હિમાભાઇ ઇન્સ્ટિટ્યૂટ ખાતે બહુચર માતાનું નાનકડું પણ બહુ સુંદર મંદિર આવેલું છે. આ મંદિર લગભગ ૧પ૦ વર્ષ જૂનું છે. હાલ આ સમગ્ર વિસ્તાર રિનોવેશન હેઠળ છે. અહીં પહેલાં મંદિરની આજુુબાજુ પાથરણાં બજાર ભરાતું હતું. અહીં પહેલાં એક કાળે પ્રેમાભાઇ હોલ પાસે ઘોડાગાડીનું સ્ટેન્ડ હતું. માના મંદિરમાં લગભગ ચારેક ફૂટની ચાંદીના કૂકડા ઉપર બહુચરમાની નિત્ય મૂર્તિ સ્થાપના કરાયેલી છે.

માનાં દર્શન કરતાં જ આંખમાં ઝળઝળિયાં આવે તથા માથું શ્રદ્ધાથી નમી જાય તેવું આ સુંદર સ્થળ છે. માનાં મંદિરની ગર્ભગૃહની ડાબી દીવાલે બહુચરમાના પ્રિય ભક્ત વલ્લભ ધોળાનું તથા જમણી દીવાલે મા બહુચરાજીના છડીદાર નારસંગા વીરનું નયનરમ્ય ચિત્ર છે. આ મંદિરના દરવાજા પાસે ડાબી બાજુ ગણેશજી તથા જમણી બાજુ હનુમાનજી મહારાજની સુંદર મૂર્તિની સ્થાપના કરાઇ છે.

લગભગ આખો દિવસ ભકતોના ઘંટારવથી આ મંદિર સદાય ગૂંજતું રહે છે. આ મંદિરમાં બળિયાદેવ, આશાપુરા માતા તથા નાગબાઇ માતાનું પણ સ્થાનક છે. જોકે નાગબાઇ માતાનું મૂળ સ્થાનક તો જૂનાગઢ પાસેના મોણિયા ગામે આવેલું છે. મા બહુચરાજી નિઃસંતાનને સંતાન આપે છે. તેથી જેને ત્યાં શેર માટીની ખોટ હોય તેવા હજારો ભક્ત અહીં માનાં દર્શને આવે છે. દિલમાં સંતાનની અદમ્ય ઇચ્છા સાથે તેઓ અહીં હોંશે હોંશે દોડ્યા આવે છે.

તેમની સંતાનની કામેચ્છા આ મંદિરની બાધા રાખવાથી અવશ્ય પૂરી થાય છે. જેમનાં બાળકો તોતડાં હોય છે તેમનાં માતા પિતા આ માતાજીને મંદિરમાં ચાંદીનું છત્ર કે ચાંદીની જીભ ચડાવે તો તે બાળક અસ્ખલિત વાણીથી બોલે છે. જેમનાં બાળકો બોલતી વખતે હકલાતાં હોય તેમનાં માતા પિતા પણ જો ચાંદી કે તાંબાની જીભ ચડાવે તો માની અપાર દયાથી તે બાળક હકલાતું બંધ થઇ જાય છે. આ તો અસંખ્ય દાખલા બન્યા હોવાનું મંદિરના મહારાજનું કહેવું છે.

આ મંદિરનાં પ્રાંગણમાં ચૈત્ર વદ આઠમે આસો સુદ આઠમે નવચંડી યજ્ઞનું ભવ્ય આયોજન થાય છે. તથા ડિસેમ્બર માસમાં એટલે કે ભારતીય પંચાંગ અનુસાર માગશર માસમાં અન્નકૂટનું આયોજન થાય છે. આ મંદિરની વિશેષતા એ છે કે આ મંદિર ગ્રહણ સિવાય કયારેય બંધ કરાતું નથી. કોમી તોફાનો તથા હુલ્લડના સમયે પણ આ મંદિર કદી અપૂજ રહેતું નથી. મા બહુચરાજીનું પ્રિય વાહન કૂકડો છે બહુચર માતા કૂકડાંનાં વાહન પર જ સવાર થાય છે. તેમને કૂકડા બહુ પ્રિય છે.

ભક્તોનો પોકાર પડતાં જ તેમનાં દુઃખ દૂર કરવા મા બહુચરાજી હરહંમેશ દોડી આવે છે. શહેરનાં એક ખૂબ ધનાઢય કુટુંબનાં બહેને પોતાનું નામ ન આપવાની શરતે જણાવ્યું છે કે તેમનાં લગ્ને થયે દશ વર્ષના વહાણાં વીતિ ગયાં હતાં તેમને શેર માટીની ખોટ હતી. તેમણે આ માટે અનેક દોરા, ધાગા, ભૂત, ભૂવા કરાવ્યા છતાં તેમને સંતાનની આશા પૂરી થઇ નહીં. તેમના એક સ્નેહીએ તેમને લાલ દરવાજાનાં મા બહુચરાજીની બાધા રાખવાનું કહી તેમણે આશા રાખી દુઃખિયારા બહેને માતાજીને છત્ર ચઢાવવાની બાધા રાખી . તે પછી દશમાં મહિનો બેસતાં તેમને ત્યાં એક રૂપાળા તથા હષ્ટપુષ્ટ બાળકનો જન્મ થયો છે. તરત જ તે બહેને માતાજીને ચાંદીનું છત્ર ચડાવ્યું છે.•
શાસ્ત્રી હિમાંશુ વ્યાસ

You might also like