બહુચર માતાના ધામમાં જ ગરમીએ કૂકડાઓનો ભોગ લીધો!

‘બહુચર માના દેરાં પાછળ કૂકરેકૂક બોલે’ ગરબાની આ પ્રખ્યાત કડીથી તદ્દન વિપરીત ઘટના બહુચર માતાના મુળ સ્થાનક તીર્થધામ બહુચરાજીમાં મુખ્ય મંદિરની પાછળ જ બનવા પામી છે. માતાજીના મંદિર પાછળ રમતા મુકાયેલા અને કૂકડે કૂક કરતા કૂકડાઓનાં અચાનક ટપોટપ મોત થતાં સ્થાનિક તંત્ર ચોંકી ઊઠ્યું હતું. જોકે આ માટેનુ મુખ્ય કારણ કૂકડામાં ફેલાતો બર્ડ ફ્લૂનો રોગ નહીં, પરંતુ કાળઝાળ ગરમી છે.

શક્તિપીઠ બહુચરાજીમાં માતાના ભક્તો દ્વારા માનતા રૂપે માતાજીનું વાહન ગણાતા કૂકડાઓને મંદિર પરિસરમાં રમતા મૂકવામાં આવે છે. આ કૂકડા મંદિર પરિસરમાં તેમજ મંદિર ટ્રસ્ટ સંચાલિત વલ્લભ ભટ્ટની વાવની જગ્યામાં રખાય છે. જોકે આ બંને જગ્યાએ કાળઝાળ ગરમીમાં કૂકડાઓને રક્ષણ મળી રહે તેવી કોઈ જ વ્યવસ્થા ન હોવાથી હાલમાં જ લગભગ પચાસથી વધુ કૂકડા ગરમીને લીધે મોતને ભેટ્યા છે. કૂકડાના એકાએક મોતથી મંદિરનું તંત્ર પણ દોડતું થઈ હતું.

આ અંગે વહીવટદાર એચ. આર. મોદીએ કહ્યું કે, “હવે ગરમીમાં વધુ કૂકડાનાં મોત ન થાય તે માટે મંદિરતંત્ર દ્વારા કૂકડાઘરમાં ઠંડક જળવાઈ રહે તે માટે પંખો, પાણી, ઘાસની ટટ્ટી સહિતની વ્યવસ્થા ઊભી કરવા સાથે પશુ ચિકિત્સકને પણ કૂકડાને સારસંભાળ લેવા સૂચના આપી દેવાઈ છે.” જોકે માતાજીના ધામમાં જ, માતાજીના મંદિર પાછળ જ, માતાજીનું વાહન ગણાતા કૂકડાનાં જ મૃત્યુથી લાગણી દુભાતાં શ્રદ્ધાળુઓએ તંત્ર સાથે ગરમી પ્રત્યે પણ ફિટકાર વરસાવ્યો હતો.

You might also like