બહુચર બાળાનું પવિત્ર ધામ બહુચરાજી

મહેસાણાથી ૩૦ કિમી દૂર બહુચરાજી આવેલું છે. આમ તો માતાજી બહુચરાજી પાસે આવેલા શંખલપુર ખાતે પ્રગટ થયેલાં છે ત્યાં એક વરખડાનું ઝાડ છે. એક વખતની વાત છે. દંઢાવ્ય પ્રદેશનો અસુરરાજ દંઢાસુર ભગવાન શિવનું ભયંકર તપ આદરીને બેઠો હતો. તેની ઉગ્ર તથા ભયંકર તપસ્યાથી ત્રિલોક હાલવા લાગ્યું. તેનું અપાર તપ તથા ભક્તિ જોઇ ભગવાન સદાશિવ તેના પર પ્રસન્ન થયા. ભગવાને તેને દર્શન આપ્યાં. વરદાન માગવા કહ્યું. દંઢાસુરે વરદાનમાં દુર્જય તથા દુર્ધર્ષ શક્તિઓ માગી. ભોળા શિવે તેને એવી શક્તિ આપી. મદોન્મત્ત તથા ગર્વાંધ થયેલો દંઢાસુર જે સામે આવે તેને ખતમ કરવા લાગ્યો. તે ભયંકર આતંકવાદી જેવો બની ગયો. ફરતો ફરતો એક વખત તે શંખલપુર આવ્યો છે. ત્યાં વરખડાના ઝાડ પાસે એક અપાર સૌંદર્ય ધરાવતી સુંદરીને જોઇ. તેનું સૌંદર્ય એટલું અદ્ભુત હતું કે તેને જોઇ આ અસુર મોહાંધ થયો છે. તે તેમને જોઇ અપલક્ષણ કરવા ગયો. આ તો સાક્ષાત્ મા બહુચરાજી હતાં. તેમણે ક્ષણમાત્રમાં લંપટ અસુરને હણી નાખ્યો. તે વખતે શંખલપુરમાં માનાં જે પગલાં પડ્યાં તેનું આજે પણ પૂજન થાય છે.

બહુચરાજી માતા આજે અનેક જ્ઞાતિઓનાં કુળદેવી તરીકે પ્રખ્યાત થયાં છે. અહીંનું માનું સ્થાનક ખૂબ પ્રાચીન છે. આ સ્થળ મા બાલા બહુચરાજી તરીકે પણ ઓળખાય છે. માના ભક્તો તથા તંત્રવિદ્યાના તાંત્રિકો તેમને ‘બાલા ત્રિપુરા’ તરીકે ઓળખે છે. દશ મહાવિદ્યાં માનું આ સ્વરૂપ બાળાસ્વરૂપ હોવાથી ‘ષોડશી’ તરીકે પણ ઓળખાય છે. બહુચરાજીનો એક અર્થ ઘણા રાક્ષસનો સંહાર કરનાર તરીકે પણ થાય છે. મૂળ અર્થમાં બહુચરાજી ‘બર્હિચર’ એટલે કે મોરનાં પીંછાં ધારણ કરનારાં કહેવાય છે. જોકે તેમનું વાહન કૂકડો છે. ઘણાં ભક્તો તેમને મોર ઉપર બેઠેલાં પણ માને છે. બહુચરાજીનું મંદિર ૧૮૩૯માં વડોદરાના માનાજીરાવ ગાયકવાડે બંધાવ્યું છે. સમગ્ર ભારતમાંથી લોકો પોતાનું વાંઝિયામેણું ભાંગવા બહુચરાજી આવે છે. તેમની બાધા રાખનાર નિઃસંતાન દંપતીને ત્યાં બાળક અવતરે છે. તેમની કૃપાથી અનેક નિઃસંતાનને શેર માટીની ખોટ પુરાઇ છે.

ભક્તો તેમની ઇચ્છા પૂરી થતાં જ માનું એક બાળપૂતળું અહીં આવી ચડાવી જાય છે. ઘણા ભક્તો લાકડાં કે ચાંદીનાં પારણાં ચડાવી જાય છે. તો કોઇ ભક્ત માના મંદિરમાં કૂકડો રમતો મૂકે છે. દર માસની પૂનમે અહીં મેળો ભરાય છે. ચૈત્રી તથા આસોની નવરાત્રિએ અહીં હૈયું હૈયાથી દબાય તેટલી ભીડ જામે છે. માગશર સુદ પૂનમે અહીં વિશાળ મેળો ભરાય છે. આ વખતે માનું સ્વરૂપ એટલું અદ્ભુત લાગે છે કે જોનારા દંગ રહી જાય. આ એવું સ્થળ છે, જ્યાં વારંવાર આવવાનું મન થાય છે. મા બહુચરાજીની દરરોજ સવારે ષોડ્શોપચારે પૂજા થાય છે. કૂકડાની મૂર્તિને શણગારાય છે.

You might also like