આતંકવાદીનો ખુલાસો ટ્રેનિંગ દરમિયાન હાફીઝ સાથે થઇ હતી મુલાકાત

નવી દિલ્હી : પાકિસ્તાની આતંકવાદી બહાદુર અલીએ એનઆઇએની પુછપરછમાં કેટલાક મહત્વનાં ખુલાસાઓ કર્યા હતા. બહાદુર અલીએ જણાવ્યું કે ટ્રેનિંગ દરમિયાન તેની બે વખત મોસ્ટ વોન્ટેડ આતંકવાદી હાફિઝ સઇદ સાથે મુલાકાત થઇ હતી. એનઆઇએ સુત્રોએ જણાવ્યું કે બહાદુર સતત પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં રહેલા કંટ્રોલ રૂમનાં સંપર્કમાં હતો. કંટ્રોલ રૂમનો હેન્ડલર વાલિદ સતત તેને નિર્દેશ આપી રહ્યો હતો.

બહાદુરે વધારે એક મહત્વનો ખુલાસો કરતા જણાવ્યું કે તેને નિર્દોશ લોકોની હત્યા કરવા માટે મોકલવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાની આતંકવાદીને કાશ્મીરમાં એક એન્કાઉન્ટર દરમિયાન મંગળવારે જીવતો પકડવામાં આવ્યો હતો. ધરપકડ કરાયેલ આતંકવાદીની ઓળખ બહાદુર અલી તરીકે થઇ હતી. જે લાહોરનો રહેવાસી છે. કુપવાડા જિલ્લાનાં નૌગામ સેક્ટરની નજીક થયેલ ગોળીબારમાં ચાર અન્ય લશ્કર આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે, બહાદુર અલી ઉર્ફે સૈફુલ્લાહ 22 વર્ષીય પ્રશિક્ષિત લશ્કર આતંકવાદી છે. સુરક્ષા દળોએ તેની પાસેથી 23 હજાર રૂપિયા તથા ત્રણ એકે-47 રાઇફલ અને બે પિસ્તોલ જપ્ત કર્યા છે. બે મહિનામાં આ બીજી વખત પાકિસ્તાની આતંકવાદીને જીવતો પકડવામાં આવ્યો છે. રાજ્યગૃહમંત્રી કિરણ રિજિજુએ કહ્યું કે આતંકવાદીને જીવતો પકડવો મહત્વની સફળતા છે. પાકિસ્તાનનું સત્ય હવે સામે આવશે.

એન્કાઉન્ટર કરનારા અધિકારીઓએ કહ્યું કે આના પરથી માત્ર એટલું જ સાબિત થાય છે કે ખીણમાં અસ્થિરતાનો ફાયદો કયા પ્રકારે ઉઠાવવામાં આવી રહ્યો છે. આતંકવાદીની સ્પષ્ટતા પરથી પાકિસ્તાનનું અને હાફીઝ સઇદનું તમામનું સત્ય સામે આવી રહ્યું છે.

You might also like