વિષ્ણુજીના આ મંદિરનું નામ બદ્રિનાથ પડવા પાછળનું આ છે ખૂબ જ રસપ્રદ કારણ

ચાર ધામ પૈકીના એક સુપ્રસિદ્ધ બદ્રીનાથના મંદિરને આમ તો બદ્રીનારાણયણ મંદિરના નામથી પણ ઓળખવામાં આવે છે. આ મંદિરમાં ઉત્તરાખંડમાં અલકનંદા નદીના કિનારે આવેલું છે. આ મંદિર ભગવાન વિષ્ણુના રૂપ બદ્રીનાથને સમર્પિત છે. બદ્રીનાથ મંદિર ઋષિકેશથી 294 કિલોમીટરની દૂરી પર ઉત્તર દિશામાં સ્થિત છે.

પૌરાણિક કથાઓ અનુસાર, જ્યારે ગંગા નદી ધરતી પર અવતરિત થઈ ત્યારે તે 12 ધારાઓમાં વહેંચાઈ ગઈ. આ જગ્યાએ વહેતી ધારા અલકનંદા નામે જાણીતી બની અને અહીં બદ્રીનાથના રૂપમાં ભગવાન વિષ્ણુનું નિવાસ બન્યું. ભગવાન વિષ્ણુની મૂર્તિવાળું અત્યારનું મંદિર 3133 મીટરની ઉંચાઈ પણ છે અને માનવામાં આવે છે કે, આઠમી સદીમાં આદિ શંકરાચાર્યે તેનું નિર્માણ કરાવ્યું હતું. મંદિરની પશ્ચિમમાં 27 કિલોમીટર દૂર આવેલા બદ્રિનાથ શિખરની ઉંચાઈ 7138 મીટર છે. આ 2000થી પણ વધુ વર્ષોથી એક પ્રસિદ્ધ તીર્થ સ્થળ છે.

આ સ્થાન પંચ-બદરીમાંથી એક બદ્રી છે. ઉત્તરાખંડમાં પંચ બદરી, પંચ કેદાર તથા પંચ પ્રયાગ પૌરાણિક દૃષ્ટથી તથા હિન્દુ ધર્મની રીતે ખૂબ મહત્વૂપૂર્ણ છે. આ મંદિરમાં નર-નારાયણ વિગ્રહની પૂજા થાય છે અને અખંડ દિવો પ્રજ્વલિત છે, જે અચળ જ્ઞાનજ્યોતિનું પ્રતીક છે. આ ભારતના ચાર ધામોમાં પ્રમુખ તીર્થ સ્થળ છે. અહીં અલકનંદા નદીમાં સ્નાન કરવાનો મહિમા છે પરંતુ અતિશય ઠંડીને કારણે શ્રદ્ધાળુઓ તપ્તકુંડમાં સ્નાન કરે છે. અહીં વનતુલસીની માળા, ચણાની કાચી દાળ, મિશ્રીનો પ્રસાદ ચડાવવામાં આવે છે.

બદ્રીનાથની મૂર્તિ શાલિગ્રામ શિલાથી બનેલી છે અને ભગવાન ધ્યાનમુદ્રામાં દેખાય છે. કહેવામાં આવે છે કે, આ મૂર્તિ દેવતાઓએ નારદકુંડમાંથી નીકળીને સ્થાપિત કરી હતી અને સિદ્ધ ઋષિ-મુનિઓ તેના મુખ્ય અર્ચક હતા.

જ્યારે બૌદ્ધ ધર્મનો પ્રભાવ વધ્યો ત્યારે તેમણે આને બુદ્ધની મૂર્તિ માનીને પૂજા કરવાનું શરૂ કર્યું. કહેવામાં આવે છે કે, શંકરાચાર્યની પ્રચાર યાત્રા વખતે બૌદ્ધ લોકો તિબેટ ભાગી ગયા અને ત્યારે મૂર્તિને અલકનંદામાં ફેંકતા ગયા. ત્યારે શંકરાયાર્યે મૂર્તિને નદીમાંથી બહાર કાઢીને ફરી એકવાર તેની સ્થાપના કરી. એવું પણ કહેવામાં આવે છે કે, ત્યારબાદ મૂર્તિ ફરી એકવાર સ્થાનાંતરિત થઈ ગઈ અને રામાનુજાચાર્યે તેને તપ્તકુંડમાંથી કાઢીને ફરી સ્થાપના કરી.

આ મંદિરની વાર્તામાં કહેવામાં આવ્યું છે કે, જ્યારે ભગવાન વિષ્ણુ યોગધ્યાન મુદ્રામાં તપસ્યા કરી રહ્યાં હતા ત્યારે અતિશય હિમપ્રપાત થવા લાગ્યો. ભગવાન હિમમાં ડૂબી ગયા હતા. તેમની આ દશાને જોઈ માતા લક્ષ્મીનું હૃદય કંપી ઉઠ્યું અને તેમણે ભગવાનની નજીક ઊભા રહીને એક બોર(બદરી) વૃક્ષ નું રૂપ લઈ લીધું અને બરફને પોતાની પર ઝીલવા લાગ્યા.

માતા લક્ષ્મી ભગવાન વિષ્ણુ તાપ, ઠંડી અને વરસાદથી બચાવવા માટે કઠોર તપસ્યા કરવા લાગ્યા. ઘણા વર્ષો બાદ ભગવાને પોતાનું તપ પૂર્ણ કર્યું ત્યારે જોયું કે, લક્ષ્મીજી બરફથી ઢંકાયેલા પડ્યાં છે. ત્યારે તેમણે માતા લક્ષ્મીનું તપ જોઈને કહ્યું કે, ”તમે પણ મારી સાથે બરાબર તપ કર્યું છે, એટલે આજથી આ ધામ પર તમને મારી સાથે પૂજવામાં આવશે અને તમે મારી રક્ષા બદરી વૃક્ષના રૂપમાં કરી છે એટલે મને આજથી બદ્રીના નાથ અર્થાત બદ્રીનાથ તરીકે ઓળખવામાં આવશે.” અહીં જે સ્થાન પર ભગવાને તપ કર્યું હતું તે આજે તપ્ત કુંડના નામથી પ્રખ્યાત છે અને તપના પ્રતાપે આજે પણ કુંડમાંથી ગરમ પાણી અવિરત ચાલુ રહે છે.

You might also like