શહેરની હજારો હોટલ-રેસ્ટોરાં-દુકાનોમાં ન હેલ્થના નિયમો કે ન લાઈસન્સ!

અમદાવાદ, ગુરુવાર
અમદાવાદમાં વિભિન્ન ખાદ્ય પદાર્થોમાં ભેળસેળનું પ્રમાણ ચિંતાજનક રીતે વધ્યું છે. મ્યુનિસિપલ સત્તાવાળાઓ દ્વારા ખાદ્ય પદાર્થોમાં ભેળસેળના મામલે નમૂના લેવાની કામગીરી સંતોષજનક નથી. તેમાં પણ તંત્રની જાળમાં ફક્ત નાના વેપારીઓ ઝડપાય છે. જેના કારણે પણ વારંવાર વિવાદ ઊઠે છે. આની સાથે સાથે હેલ્થ લાઇસન્સના મામલે ખાસ પ્રગતિ જણાતી નથી. શહેરમાં હજારોની સંખ્યામાં હોટલ-રેસ્ટોરાં ધમધમતાં હોવાં છતાં નિયમાનુસાર હેલ્થ લાઇસન્સ લેવાતાં નથી. આ બાબત નાગરિકોના આરોગ્ય સાથે ગંભીર ચેડાં સમાન છે.

શહેરમાં ઠેકઠેકાણે ખાઉગલી જોવા મળે છે. અનેક વિસ્તારમાં રાત્રી ખાણીપીણીનાં બજારની રોનક નજરે ચડે છે. સત્તાવાળાઓ રાત્રી ખાણીપીણી બજારના ધમધમાટને નિયંત્રણમાં મૂકી શકયા નથી. આ નાના ધંધાર્થીઓએ ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ-ર૦૦૬ હેઠળ હેલ્થ રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ મેળવવું જરૂરી છે. પરંતુ મોટાભાગનાં ખાણીપીણી બજારનાં ધંધાર્થીઓ હેલ્થ રજિસ્ટ્રેશન ર્ક્યા વગર ધંધો કરે છે. આ બાબત આરોગ્ય માટે જોખમી છે. તાજેતરમાં સત્તાધીશોએ રાત્રી ખાણીપીણી બજાર દ્વારા મોડી રાત્રે રોડ પર ઠલવાતા એઠવાડને રોકવા માટે ખાસ વાહન ફાળવવાં જેવા કેટલાક ઉપાય કર્યા છે પરંતુ નાગરિકોના સ્વાસ્થ્ય પ્રત્યેની ઉપેક્ષા યથાવત્ રહેવા પામી છે.

બીજી તરફ શહેરમાં હજારોની સંખ્યામાં હોટલ-રેસ્ટોરાં છે. છેલ્લા લાંબા સમયથી અનેક ઘરોમાં શનિ-રવિની રજાના માહોલમાં સાંજે રસોડું થતું જ નથી. વીકએન્ડમાં હોટલ-રોસ્ટોરાંનો વાનગીનો સ્વાદ માણવાની ઘેલછા વધી છે, જો કે હોટલ-રેસ્ટોરાંના સંચાલકો તંત્રનાં હેલ્થ લાઇસન્સ લેવાનું ટાળે છે કેમ કે હેલ્થ લાઇસન્સ મેળવવા સ્વચ્છતાના ઉચ્ચતમ ધોરણ પાળવાં પડે છે. વિભિન્ન વાનગીમાં વપરાતા મસાલા, તેલ, ઘી, શાકભાજી વગેરે પણ સારી ગુણવત્તાના જરૂરી બને છે.

હોટલ-રેસ્ટોરાંનું રસોડું, ગ્રાહકો માટેની બેઠક વ્યવસ્થા, વેઇટરનો ડ્રેસમાં પણ ચોખ્ખાઇ અનિવાર્ય છે. આ ઉપરાંત બીયુ પરમિશન પણ આવશ્યક છે. જો કે મોટાભાગનાં હોટલ-રેસ્ટોરાંના સંચાલકો નિયમ મુજબ સ્વચ્છતા અને ગુણવત્તા જાળવીને ગ્રાહક સંતોષવામાં રસ ધરાવતા ન હોઇ હેલ્થ લાઇસન્સ લેવા આગળ આવતા નથી.

છેલ્લા પાંચ વર્ષથી હેલ્થ લાઇસન્સને જે તે ધંધાર્થી ‘ઓન લાઇન’ મેળવી શકે છે. પરંતુ તંત્રના ચોપડે ગત તા.ર૬ ફેબ્રુઆરી, ર૦૧૮ની સ્થિતિએ ફક્ત ૮,ર૯૪ હેલ્થ લાઇસન્સ નોંધાયા છે. હેલ્થ રજિસ્ટ્રેશન સર્ટીફિકેટ વાર્ષિક રૂ.૧ર લાખથી ઓછું ટર્ન ઓવર ધરાવતા ધંધાર્થી માટે ફરજિયાત છે. પરંતુ જે ધંધાર્થીનું વાર્ષિક ટર્ન ઓવર રૂ.૧ર લાખથી વધુ અને રૂ.બે કરોડથી ઓછું છે તેવા ધંધાર્થીઓ માટે હેલ્થ લાઇસન્સ ફરજિયાત છે.

હેલ્થ લાઇસન્સની વાર્ષિક ફી રૂ.ર,૦૦૦ છે અને વધુમાં વધુ પાંચ વર્ષ માટે રૂ.૧૦,૦૦૦ ફી ચૂકવીને મેળવી શકાય છે પરંતુ ધંધાર્થીઓ હેલ્થ લાઇસન્સ લેવા આગળ ન આવતા હોઇ મ્યુનિસિપલ તિજોરીને મળવાપાત્ર આવકનાં પણ ફાંફાં પડી રહ્યાં છે બીજી તરફ હોટલ, રેસ્ટોરાં, કલબ, ઢાબા, મોટા કરિયાણાવાળા, હોલસેલર્સ, કેટરર્સ, ખાદ્યપદાર્થના ઉત્પાદકો, વિક્રેતા, સંગ્રાહકો વગેરે ધંધાર્થીઓ હેલ્થ લાઇસન્સ લેવાનું ટાળવા હોવા છતાં તંત્ર અગમ્ય કારણસર આવા એકમોને તાળાં મારતાં ખચકાટ અનુભવે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ હોટલ, રેસ્ટોરાં વગેરેમાં બીપીએમસી એક્ટ હેઠળ પણ લાઇસન્સ લેવાં પડતાં હતાં. જે હવે લેવાનાં રહેતાં નથી. જો કે ગત તા.પ ઓગસ્ટ ર૦૧૧થી અમલમાં આવેલ ફૂડ સેફટી એક્ટ હેઠળના લેવા લાઇસન્સ
જરૂરી છે.

You might also like