જન્મની 6 મિનિટ બાદ જ બાળકીને આધાર કાર્ડ મળ્યું

મહારાષ્ટ્રના ઉસ્માનાબાદ જિલ્લા મહિલા હોસ્પિટલમાં એક બાળકીને પેદા થયાના માત્ર 6 મિનિટ બાદ જ પોતાનું ઓળખપત્ર ‘આધાર કાર્ડ’ મળી ગયું છે. બાળકીનું નામ ભાવના સંતોષ જાધવ છે. ભાવનાના માતા પિતાએ રવિવારે બાળકીના જન્મ બાદ આધાર કાર્ડનું રજીસ્ટ્રેશન કરાવી દીધું હતું.

રજીસ્ટ્રેશનની માત્ર છ મિનિટ પછી જ બાળકીને આધાર કાર્ડ મળી ગયું હતું. જન્મ બાદ તુરંત જ આધાર કાર્ડ મળ્યાની આ કંઈક નવી ઘટના છે. જિલ્લાધિકારીના જણાવ્યા પ્રમાણે બાળકીનો જન્મ રવિવારે બપોરે 12 વાગીને ત્રણ મિનિટે પેદા થઈ હતી અને 12 વાગીને 9 મિનિટે બાળકીને આધાર કાર્ડ મળી ગયું હતું.

તેમણે એવું પણ કહ્યું હતું કે, ‘ઉસ્માનાબાદ માટે આ ગૌરવશાળી પળ છે. અમે બધા બાળકોનું આધાર કાર્ડ કરાવીશું. તેમના માતા પિતાને પણ આધાર કાર્ડથી જોડીશું.’ ઉલ્લેખનીય છે કે આ હોસ્પિટલમાં છેલ્લા એક વર્ષમાં પેદા થયેલ 1300 બાળકોને આધાર મળ્યું છે.

You might also like