રણુજાના રાજાઃ બાબા રામદેવપીર

રામદેવ પીરનો જન્મ આજથી આશરે ૬૦૦ વર્ષ પહેલાં રાજસ્થાનના બાડમેર જિલ્લાના કાશ્મીર ગામમાં સંવત ૧૪૦૯ની ભાદરવા સુદ બીજને દિવસે થયો હતો. તેમની માતાનું નામ મીનલદેવી (મૈણાદે) અને પિતાનું નામ અજમલરાય હતું. તેમના પિતા આ વિસ્તારના રાજા હતા.

કાશ્મીર ગામ હાલમાં રામદેરિયા તરીકે પણ ઓળખાય છે. રામદેવ પીરને ભગવાન દ્વારકાધીશ (કૃષ્ણ)ના અવતાર માનવામાં આવે છે. ખાસ કરીને રાજસ્થાન અને ગુજરાતમાં તેમના મંદિરો વધુ જોવા મળે છે અને આ બે રાજ્યોમાં જ તેમના અનુયાયીઓની સંખ્યા પણ વધુ છે.

ઇતિહાસમાં તેના પુરાવાઓ છે કે મક્કાથી પાંચ મુસ્લિમ પીર બાબા રામદેવ પીરની ખ્યાતિ સાંભળી તેમની પરીક્ષા કરવા આવ્યા હતા. તેમણે રામદેવ પીર બાબાના પરચાઓનો જાતે અનુભવ કર્યો અને બાબાને ‘રામશાહપીર’નું નવું નામ આપ્યું. ત્યારથી મુસ્લિમ લોકો પણ બાબા રામદેવ પીરને એજ માન અને આદરથી પ્રભુ પદે ગણે છે.

બાબા રામદેવ પીરના કાળ દરમિયાન તેમની ખ્યાતિની સુવાસ ચારેકોર વાયુવેગે ફેલાયેલી હતી. શ્રી રામદેવ પીર બાબા દરેક માનવી પછી તે કાળો હોય કે ગોરો, ધનવાન હોય કે ગરીબ, ઊંચ હોય કે નીચ બધાને સમાન ગણતા અને તેમના અનુયાયીઓને પણ તેઓ એવો જ બોધ આપતા.

તેમના આ પૃથ્વી પરના નિયત કાર્યને અંતે બાબા શ્રી રામદેવ પીર મહારાજે ૧૪૫૯માં સમાધિ લીધી હતી. તે સમયે તેમની ઉમર ૪૨ વરસની હતી. બિકાનેરના મહારાજ ગંગાસિંઘે ૧૯૩૧માં તેમની સમાધિની ઉપર મંદિર બંધાવ્યું હતું.

બાબાના ભક્તો રામદેવપીરને ચોખા, શ્રીફળ, ચૂરમું, ગૂગળ ધૂપ અને કપડાંના ઘોડા ચઢાવે છે. તેમની સમાધિ રાજ્સ્થાનના રામદેવરા પાસે આવેલી છે. ભાદરવો મહિનો આવે છે ત્યારે કોમી એકતા અને સર્વધર્મ સમભાવના પ્રતીક સમા રામદેવરાના માર્ગો શ્રદ્ધાળુઓથી ઊભરાય છે.

માર્ગો પર માનવ મહેરામણ જોવા મળે છે. નેજો ચડાવ્યા વગર રામદેવ પીરની યાત્રા અધૂરી ગણાય છે તેથી કલાત્મક અને પચરંગી-નવરંગી નેજાઓ લઇ શ્રદ્ધાળુઓ પગપાળા યાત્રા કરે છે. કેટલાક આળોટતા આવે છે તો કેટલાક સાષ્ટાંગ પ્રમાણ કરતા.

ભાદરવા સુદ બીજ બાબા રામદેવપીરનો પ્રાગટયદિન છે. તેથી વર્ષોથી કેટલાક શ્રદ્ધાળુ ભકતો રામદેવરા-રામદેરિયા (અવતારધામ મંદિર, ઉન્ડૂ-કાશ્મીર) બીજ ભરવા જાય છે. રામદેવ પીરની કૃપાથી અસાઘ્ય રોગ મટે છે. ગમે તેવું સંકટ ટળી જાય છે.

ધાર્યાં કાર્યો સિદ્ધ થાય છે. વાંઝિયા મોટી ઉમરે પણ પુત્ર રત્ન પામે છે. નિર્ધન ધનવાન બને છે અને દુષ્ટ સજજન બને છે. ભાદરવા સુદ બીજને દિવસે રામદેવ પીરની જન્મ જયંતી મનાવવામાં આવે છે.

બાબા રામદેવજી તંવર રાજપૂત કુળના રાજા હતા કે જેઓને હિંદુ લોકો ભગવાન શ્રીકૃષ્ણનો અવતાર માને છે. પ્રભુ શ્રીકૃષ્ણ જ બાબા રામદેવ પીર તરીકે આ પૃથ્વી પર અવતર્યા હતા. ઘણા તેમને ભગવાન વિષ્ણુનો અવતાર પણ માને છે.•

You might also like