આજે પતંજલિ પરિધાનનું લોન્ચિંગઃ ત્રણ નવી બ્રાન્ડ

નવી દિલ્હી: યોગગુરુ બાબા રામદેવ ડેરીના બિઝનેસ બાદ આજે ધનતેરસ નિમિત્તે ગાર્મેન્ટ ઇન્ડસ્ટ્રીમાં એન્ટ્રી મારશે. આજે બાબા રામદેવ પતંજલિ પરિધાન નામથી એક એક્સક્લુઝિવ શો-રૂમનું ઉદ્ઘાટન કરશે. પતંજલિ યોગપીઠ દ્વારા જણાવાયું છે કે ધનતેરસના દિવસે દિલ્હીથી પતંજલિ પરિધાનનો શુભારંભ થશે.

આ બ્રાન્ડનેમ હેઠળ પ્રથમ શોરૂમ દિલ્હીના પીતમપુરા સ્થિત નેતાજી સુભાષ પ્લેસના અગ્રવાલ સાયબર પ્લાઝામાં ખોલવામાં આવશે. પતંજલિના આ શોરૂમમાં ડેનિમથી લઇને એથનિક વેર સુધી બધું વેચાશે.

પતંજલિ પરિધાનમાં પુરુષો, મહિલાઓ અને બાળકોનાં તમામ પ્રકારનાં કપડાં મળશે. તેમાં ડેનિમ વેર, એથનિક વેર, કેજ્યુઅલ વેર અને ફોર્મલ વેરનો સમાવેશ થાય છે.

પતંજલિ પરિધાનની ત્રણ બ્રાન્ડ ‘લીવ ફિટ’, ‘આસ્થા’ અને ‘સંસ્કાર’ને લોન્ચ કરવામાં આવશે. પતંજલિના જણાવ્યા અનુસાર આ વેન્ચરથી દેશમાં આર્થિક સ્વતંત્રતા આવશે.

પરિધાનને દેશભક્તિ સાથે સાંકળીને પતંજલિએ જણાવ્યું હતું કે ધ્વજ રાષ્ટ્રની આન, બાન અને શાન હોય છે, જ્યારે કપડાં વ્યક્તિના વ્યક્તિત્વની ઓળખ અને સન્માન હોય છે. આજે લોન્ચ થનારા કપડાંના કલેક્શનમાં માત્ર જિન્સ જ નહીં, પરંતુ અન્ય સ્વદેશી અને પાશ્ચાત્ય વસ્ત્રો પણ હશે.

You might also like