બાબા રામદેવનો ભાજપને ઝાટકોઃ 2019ની ચૂંટણીમાં કોઈને સમર્થન નહીં

નવી દિલ્હી: યોગગુરુમાંથી બિઝનેસ ગુરુ બનેલા બાબા રામદેવે ર૦૧૯ની લોકસભાની ચૂંટણી પૂર્વે ભાજપને એક મોટો ઝાટકો આપ્યો છે. બાબા રામદેવે એવી જાહેરાત કરી છે કે તેઓ ર૦૧૯ની લોકસભા ચૂંટણીમાં કોઇ પણ પક્ષ કે નેતાને સમર્થન આપશે નહીં. તેમણે જણાવ્યું હતું કે તેઓ હવે અપક્ષ કે સર્વપક્ષીય બની ગયા છે અને તેથી તેઓ માત્ર રાષ્ટ્રનિર્માણનું કાર્ય કરશે.

દિલ્હી ખાતે ફિક્કી લેડીઝ ઓર્ગેનાઇઝેશન (એફએલઓ)ના એક કાર્યક્રમમાં બાબા રામદેવે જણાવ્યું હતું કે ર૦૧૯માં યોજાનારી ચૂંટણીમાં તેઓ કોઇ પણ પક્ષની તરફેણમાં ઊતરશે નહીં.

ચૂંટણી દરમિયાન તેઓ નિરપેક્ષ ભૂમિકામાં રહેશે. સાથે-સાથે બાબા રામદેવે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના વખાણ કરતાં જણાવ્યું હતું કે આજકાલ તેઓ ખૂબ મહેનત કરવા લાગ્યા છે.

બાબા રામદેવે જણાવ્યું હતું કે પતંજલિમાં કોઇ પણ વિદેશી રોકાણકારને રોકાણ કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં. તેમણે જણાવ્યું હતું કે તેઓ કયારેય શેરબજાર તરફ જોતા નથી તેમ છતાં ર૦૧પ સુધીમાં પતંજલિ દેશની સૌથી મોટી ફાસ્ટ મૂવિંગ કન્ઝયુમર ગુડ્સ (એફએમસીજી) કંપની બની ગઇ છે. તેમણે જણાવ્યું હતું કે પતંજલિ હવે ડેરી ક્ષેત્રમાં આવી રહી છે અને ટૂંક સમયમાં પરિધાન ક્ષેત્રમાં પણ એન્ટ્રી મારશે.

આ પ્રસંગે બાબા રામદેવે કાર્યક્રમમાં ઉપસ્થિત મહિલાઓને સ્વસ્થ અને ફિટ રહેવાના મંત્રો પણ આપ્યા હતા અને જણાવ્યું હતું કે ફિટનેસ માટે યોગ સર્વોત્તમ છે. બાબાએ મંચ પર પોતાના યોગ અભ્યાસ સૂર્યનમસ્કાર અને કપાલભાતી કરીને પણ બતાવ્યા હતા.

You might also like