પપ્પા સાથે પવિત્ર સંબંધો, હું નિર્દોષ, ડિપ્રેશનમાં સરી પડી છુંઃ હનીપ્રીત

નવી દિલ્હી: ડેરા સચ્ચા સૌદાના બાબા ગુરમીત રામ રહીમ મામલાની મુખ્ય સૂત્રધાર હનીપ્રીત એક કોયડો બની ગઇ છે. તેનો હજુ સુધી કોઇ અતોપતો નથી. જયારે જયારે પણ તેેની ભાળ મળે છે ત્યારે ત્યારે પોલીસ પહોંચે તે પહેલાં તે રફુચક્કર થઇ જાય છે, પરંતુુ રામ રહીમની હનીપ્રીતને ટીવી ન્યૂઝ ચેનલે શોધી કાઢી છે અને તેના પત્રકાર સાથે થયેલી એકસકલુઝિવ વાતચીતના કેટલાક અંશો અત્રે પ્રસ્તુત છે.

ગુરમીત રામ રહીમના મામલા અંગે પૂછતાં હનીપ્રીતે વાતચીતમાં જણાવ્યું હતું કે જે રીતની મને ચીતરવામાં આવી રહી છે, એવી હું નથી. મને જેવી બતાવવામાં આવી રહી છે તેનાથી તો હવે હું સ્વયં ડરવા લાગી છું. મને દેશદ્રોહી ગણાવવામાં આવે છે જે બિલકુલ ખોટું છે. એક પપ્પાની સાથે એક દીકરી અદાલતમાં જાય છે. આવું મંજૂરી વગર શકય નથી.

પોતાના પર સાજિશ રચવાના આરોપ અંગે વાત કરતાં હનીપ્રીત જણાવે છે કે સમગ્ર પુરાવા દુનિયા સામે છે અને મારી વિરુદ્ધ શું પુરાવા છે? જ્યારે આજતકના પત્રકારે પૂછયું કે હનીપ્રીત એક મોટી વિલન છે? એવી ચર્ચા થઇ રહી છે ત્યારે આ સાંભળીને હનીપ્રીતે જણાવ્યું હતું કે હું કયાંય ગુનેગાર નથી. મેં તો માત્ર પુત્રીની ફરજ અદા કરી છે.

હનીપ્રીત અને ગુરમીત રામ રહીમ સાથેના સંબંધો અંગે વાત કરતાં હનીપ્રીતે પ્રતિ પ્રશ્ન કર્યો હતો કે મને એ સમજાતું નથી કે એક પિતા-પુત્રીના પવિત્ર સંબંધો શા માટે આ રીતે ઉછાળવામાં આવી રહ્યા છે. જ્યારે હનીપ્રીતને પછયું કે તે શા માટે પોલીસ સમક્ષ હાજર થતી નથી ત્યાર તેણે રડતાં રડતાં જણાવ્યું હતું કે તમે મારી ‌િસ્થતિને સમજવાની કોશિશ કરો. હું ડિપ્રેશનમાં સરી પડી હતી. પપ્પા જેલમાં ગયા બાદ હું બેસહારા બની ગઇ છું. મારી માનસિક સ્થિતિને સ્વસ્થ થતાં થોડો સમય લાગશે. જ્યારે તેને પૂછવામાં આવ્યું કે તો તમે કયારે સરેન્ડર કરશો ત્યારે તેણે જણાવ્યું હતું કે હજુ હું કાનૂની સલાહ લઇશ.

શું આજે હનીપ્રીત સરેન્ડર કરશે?
અહેવાલો અનુસાર દિલ્હી હાઇકોર્ટે હનીપ્રીતની આગોતરા જામીનની અરજી ફગાવ્યા બાદ તેને સરેન્ડર કરવાની સલાહ આપી હતી. આશા છે કે આજે હનીપ્રીત કાં તો પંજાબ હરિયાણા હાઇકોર્ટમાં અરજી કરશો અથવા તો સરેન્ડર કરી શકે છે. આમ પણ હનીપ્રીત થોડો સમય ઇચ્છે છે. તે હરિયાણાની કાયમી નિવાસી છે અને તેને પંચકૂલા કોર્ટમાં પણ કોઇ રાહત મળવાની શકયતા નથી તેથી તે સરેન્ડર થઇ જાય તે વધુ સારું છે.

You might also like