હું જીવતો છુંઃ મસૂદ અઝહર, જૈશનો એક વધુ ઓડિયો જારી

(એજન્સી) ઈસ્લામાબાદ: પાક. પ્રેરત આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદના સૂત્રધાર મૌલાના મસૂદ અઝહર અંગે એક નવો ઓડિયો જારી કરવામાં આવ્યો છે. આ ઓડિયોમાં આતંકી મસૂદ અઝહરે લખેલું એક સ્ટેટમેન્ટ તેના પ્રવકતા સૈફુલ્લાહ વાંચી રહ્યા છે. આ ઓડિયોમાં આતંકી મસૂદ અઝહર તરફથી એક સ્ટેટમેન્ટ જારી કરવામાં આવ્યું છે.

મસૂદ અઝહરે આ સ્ટેટમેન્ટમાં જણાવ્યું છે કે હું હજુ જીવતો છું. સમગ્ર દુનિયામાં મારા મોતના સમાચારો ચાલી રહ્યા છે, ખબર નથી કે જ્યારે આ ઓડિયો તમારા સુધી પહોંચશે ત્યાં સુધી જીવતો હોઈશ કે નહીં. છેલ્લા ઘણા સમયથી જૈશ-એ-મોહમ્મદ દર બુધવારે એક ઓડિયો જારી કરતું આવ્યું છે. આ વખતે પણ આતંકી સંગઠન તરફથી વધુ એક ઓડિયો જારી કરવામાં આવ્યો છે. આ ઓડિયો જૈશ-એ-મોહમ્મદના પ્રવકતા સૈફુલ્લાહે જારી કર્યો છે.

આ ઓડિયોમાં મસૂદ અઝહરે પાકિસ્તાનના વડા પ્રધાન ઈમરાનખાનને પણ ચેતવણી આપી છે. સત્તાધીશો જે રીતે લિબરલ્સને સહન કરી રહ્યા છે એ રીતે ખુદાના વફાદારોને પણ સહન કરે. જે દેશ દબાણ કરી રહ્યો છે તેમને જણાવી દે અમારો દેશ હોલિવૂડ કે બોલિવૂડનો સ્ટુડિયો નથી કે તમને અહીં માત્ર લિબરલ્સ નજરે પડે. અહીં તમામ પ્રકારના લોકો જોવા મળશે.

એક બાજુ આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદના વડા મસૂદ અઝહરના મોતની અફવાઓ ચાલી રહી છે તો બીજી બાજુ મસૂદ અઝહર જીવતો છે એવો હવે ઓડિયો જારી થયો છે. અહેવાલો અનુસાર આતંકી મસૂદ અઝહરનું લેટેસ્ટ લોકેશન ખબર પડી ગઈ છે. તેને રાવલપિંડીની હોસ્પિટલથી ગોથ ઘાનીમાં આવેલ જૈશ-એ-મોહમ્મદના કેમ્પમાં શિફ્ટ કરવામાં આવ્યો છે.

You might also like