પાક. ક્રિકેટ બોર્ડ દ્વારા બોલિંગ કોચ તરીકે અઝહર મહેમૂદની નિમણૂક

લાહોર: પાકિસ્તાની ક્રિકેટ બોર્ડે પાકિસ્તાનના પૂર્વ ખેલાડી અઝહર મહેમૂદને નેશનલ ટીમના બોલિંગ કોચ તરીકે નિમણૂક કરી છે. મહેમૂદની બે વર્ષ માટે આ હોદ્દા પર નિમણૂક કરવામાં આવી છે. પાકિસ્તાન માટે ર૧ ટેસ્ટ અને ૧૪૧ વનડે રમી ચૂકેલ અઝહર મહેમુદ ૧૭ નવેમ્બરથી શરૂ થઇ રહેલ ન્યૂઝીલેન્ડના પ્રવાસથી પોતાનો કાર્યભાર સંભાળી લેશે.

પાકિસ્તાન ન્યૂઝીલેન્ડ સામે બે ટેસ્ટ રમનાર છે. પ્રથમ મેચ ક્રાઇસ્ટ ચર્ચમાં જ્યારે બીજી મેચ હેમિલ્ટનમાં રમાશે. અઝહર મહેમૂદને પ્રથમવાર આ વર્ષે ફેબ્રુઆરીમાં એશિયા કપ દરમિયાન મુસ્તાક અહેમદની ગેરહાજરીમાં ટીમનો કાર્યભાર સોંપવામાં આવ્યો હતો અને ત્યાર બાદ આઇસીસી ટી-ર૦ વર્લ્ડકપ દરમિયાન તેમણે મુસ્તાક અહેમદના આસિસ્ટન્ટ તરીકે કામ કર્યું હતું. ર૧ ટેસ્ટની કરિયરમાં મહેમૂદના નામે ૩૯ વિકેટ અને ૯૦૦ રન છે. આ ઉપરાંત ૧૪૩ વન ડેમાં મહેમૂદે ૧પર૧ રન બનાવવાની સાથે ૧ર૩ વિકેટ લીધી છે.

અહેવાલો અનુસાર પાકિસ્તાન ટીમના મુખ્ય કોચ મિકી આર્થરે કેટલાય વિદેશી પૂર્વ ખેલાડીઓના નામ બોલિંગ કોચ માટે પીસીબીને આપ્યા હતા, પરંતુ કોઇની સાથે વાત બની નહોતી. એવું માનવામાં આવી રહ્યું છે કે ટીમ સાથે કામ કરવાનો અનુભવ હોવાના કારણે પીસીબીએ અઝહર મહેમૂદને ફરી એક વાર બોલિંગ કોચની જવાબદારી સોંપવાનો નિર્ણય કર્યો છે.

You might also like