પાકિસ્તાનમાં દાઉદ ઇબ્રાહિમને મળ્યા હતા મોદી : આઝમ

નવી દિલ્હી : પોતાનાં વિવાદિત નિવેદનોનાં કારણે ચર્ચામાં રહેતા ઉત્તર પ્રદેશનાં નગર વિકાસ મંત્રી આઝમ ખાને શનિવારે વડાપ્રધાન મોદીની પાકિસ્તાન યાત્રા મુદ્દે મોટો ઘટસ્ફોટ કર્યો હતો. આઝમે દાવો કર્યો કે મોદી પાકિસ્તાન યાત્રા દરમિયાન મોસ્ટ વોન્ટેડ આરોપી દાઉદ ઇબ્રાહિમ સાથે મુલાકાત કરી હતી. આઝમે કહ્યું કે બાદશાહ (મોદી) કહે તો હું પુરાવા માટે તસ્વીરો પણ આપી શકું છું. નવાઝ શરીફને ત્યાં તેમની માતા સાથે મોદીની મુલાકાત દરમિયાન સાથે અદાણી અને જિંદાલ પણ હતા. ગાઝીપુર જિલ્લાનાં કરંડા વિસ્તારનાં બગસરા ગામ ખાતે ઇન્ટર કોલેજનાં વાર્ષિક સમારંભમાં ભાગ લેવા માટે આવેલા આઝમે હેલિપેડ પર પત્રકારો સાથે વાતચીત કરી હતી.
આઝમે કેન્દ્ર સરકારને ડીલવાલી સરકાર જણાવતા કહ્યું કે વારાણસી તો ક્યોટો ન બની શક્યું પરંતુ જાપાની વડાપ્રધાન ક્યોટોનાં ઓઠા હેઠળ કરોડો રૂપિયાની ડીલ કરીને જતા રહ્યા.આપણા વડાપ્રધાન પાકિસ્તાની સમકક્ષને પશ્મીના શાલ અને મલીહાબાદી કેરીઓ મોકલે છે ત્યાંથી સીક કબાબ આવે છે. તેનાં પણ મારી પાસે પુરાવા છે. કબાબ કાંઇ દુધીમાંથી નથી બનતો.
સમાર્ટ સિટી અંગે આઝમે કહ્યું કે પશ્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશ અને બિહારને મોદી સરકારે આ યોજનામાં સમાવ્યું એટલા માટે નહી કારણ કે આ રાજ્યોમાં ભાજપની સરકાર નથી. યૂપીમાં કાયદો અને વ્યવસ્થાની વાત કરતા તેમણે ભાજપ શાસિત રાજ્યોમાં સૌથી વધારે ગુના થતા હોવાનો દાવો કર્યો હતો. આઝમે મીડિયાને પણ મોદી સરકાર સાથે મીલિભગત હોવાનો દાવો કર્યો હતો.

You might also like