જયા પ્રદા પર વિવાદિત ટિપ્પણીથી આઝમ ખાનની પલટી: કોઈ દોષી સાબિત કરે તો હું ચૂંટણી નહીં લડું

રામપુર બેઠક પરથી ભાજપનાં ઉમેદવાર જયા પ્રદા પર વિવાદિત ટિપ્પણી કરવા બદલ ચોતરફથી ઘેરાયેલા અને આકરી ટીકાનો ભોગ બનેલા સમાજવાદી પાર્ટી (સપા)ના વરિષ્ઠ નેતા અને પક્ષના ઉમેદવાર આઝમ ખાને તેમના નિવેદનથી પલટી મારી છે અને જણાવ્યું છે કે, તેમના નિવેદનને ખોટી રીતે રજૂ કરવામાં આવ્યું છે. તેમણે વધુમાં કહ્યું કે, મેં કોઈનું નામ લીધું નથી અને જો હું દોષી પુરવાર થાઉં તો ચૂંટણી નહીં લડું.

ઉલ્લેખનીય છે કે, રામપુરના શાહબાદ તાલુકામાં આયોજિત એક ચૂંટણી જનસભામાં લોકોને સંબોધિત કરતા આઝમ ખાને અખિલેશ યાદવની હાજરીમાં એકદમ વાહિયાત અને બેહૂદી રીતે જયા પ્રદા પર વાંધાજનક ટિપ્પણી કરી હતી. તેમણે જયા પ્રદાનું નામ લીધા વગર લોકોને પૂછ્યું હતું કે, શું રાજનીતિ એટલી નીચી ગઈ છે કે, ૧૦ વર્ષ જેમણે રામપુરના લોકોનું લોહી પીધું, જેની આંગળી પકડીને અમે રામપુરમાં લઈ આવ્યા તેમણે અમારી ઉપર કેવા કેવા આરોપો લગાવ્યા છે. શું તમે લોકો તેને મત આપશો? આઝમે આગળ જણાવ્યું હતું કે, ૧૦ વર્ષ જેને તમે પ્રતિનિધિત્વ સોંપ્યું તેમની અસલી હકીકત સમજવામાં તમારે ૧૭ વર્ષ લાગી ગયાં. હું તો ૧૭ દિવસમાં જ જાણી ગયો હતો કે, તેમનું અંડરવેયર ખાખી રંગનું છે.

આઝમે હવે તેમના નિવેદનથી પલટી મારી દીધી છે અને પડકાર ફેંક્યો છે કે, મેં મારા આખા નિવેદનમાં ક્યાંય કોઈનું નામ લીધું નથી. મને ખબર પડે છે કે મારે શું કરવું જોઈએ. જો કોઈ સાબિત કરી દે કે મેં કોઈનું નામ ક્યાંય પણ લીધું છે અને કોઈનું અપમાન કર્યું છે, તો હું ચૂંટણી નહીં લડું.

સપાના દિગ્ગજ નેતા અને હંમેશાં વિવાદિત નિવેદનોના કારણે ચર્ચામાં રહેતા આઝમ ખાનના સાવ હલકી કક્ષાના નિવેદન બાદ વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજે આ ઘટનાની સરખામણી દ્રૌપદીનાંં ચીરહરણ સાથે કરીને સપાના વડા મુલાયમસિંહ યાદવને ચેતવણી આપી છે કે, તેઓ ભીષ્મ પિતામહની જેમ મૌન રહેવાની ભૂલ ન કરે.

સુષમા સ્વરાજે ટ્વિટર પર લખ્યું કે, મુલાયમભાઈ તમે સમાજવાદી પાર્ટીના પિતામહ છો. તમારી સામે રામપુરમાં દ્રૌપદીનું ચીરહરણ થઈ રહ્યું છે. તમે ભીષ્મ પિતામહની જેમ મૌન રહેવાની ભૂલ ન કરતા. સુષ્માએ તેમના આ ટ્વિટમાં અખિલેશ યાદવ અને ડિમ્પલ યાદવને પણ ટેગ કર્યા છે.

આઝમનાં વિવાદિત નિવેદનને ખૂબ જ અમર્યાદિત ગણાવીને રાષ્ટ્રીય
મહિલા આયોગનાં અધ્યક્ષ રેખા શર્માએ જણાવ્યું છે કે, આયોગ આઝમ ખાનને કારણદર્શક નોટિસ જારી કરશે, આટલું જ નહીં શર્માએ ચૂંટણી પંચને પણ વિનંતી કરી છે કે, તે આઝમ ખાનના ચૂંટણી લડવા પર પ્રતિબંધ મૂકે. રેખા શર્માએ ટ્વીટ કરીને જણાવ્યું છે કે, આઝમ ખાન હંમેશાં મહિલાઓ પ્રત્યે અપમાનજનક અને અશિષ્ટ રહ્યા છે.

આખરે આઝમ ખાન સામે એફઆઈઆર દાખલ
જયા પ્રદા પર વિવાદિત ટિપ્પણી કરીને આઝમ ખાન મુશ્કેલીમાં ફસાઈ ગયા છે. સપાના રાષ્ટ્રીય મહાસચિવ આઝમ ખાન સામે એફઆઈઆર નોંધવામાં આવી છે. વિવાદિત ટિપ્પણીના મામલે ચૂંટણી પંચે ગંભારતાથી જિલ્લાધિકારી પાસે રિપોર્ટ માગ્યો હતો. જિલ્લાધિકારીએ ચૂંટણીસભાનો વીડિયો અવલોકન ટીમના પ્રભારી પાસે ચેક કરાવ્યો હતો.

તપાસ બાદ પોલીસમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. વીડિયો અવલોકન ટીમના પ્રભારી મહેશકુમાર ગુપ્તાએ શાહબાદ પોલીસ સ્ટેશનમાં દાખલ કરાવેલી ફરિયાદમાં આચારસિંહતાના ઉલ્લંઘન ઉપરાંત મહિલાઓ વિશે વાંધાજનક ટિપ્પણી કરવાનો આરોપ પણ લગાવ્યો છે. ઉલ્લેખનીય છે કે, આઝમ ખાને ફોર્મ ભર્યું ત્યારબાદ અત્યાર સુધીમાં તેમની સામે નવ કેસ દાખલ થઈ ચૂક્યા છે.

You might also like