રામ મંદિર મુદ્દે કોર્ટની બહાર ઉકેલ લાવવાની કવાયત શરૂ

નવી દિલ્હી: રામ જન્મભૂમિ અને બાબરી મસ્જિદ વિવાદને અદાલતની બહાર ઉકેલવાની કવાયત શરૂ થઈ ગઈ છે. આ માટે દિલ્હીમાં વર્લ્ડ પિસ યુનિવર્સિટી દ્વારા એક રાઉન્ડ ટેબલ ચર્ચાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં એવો ઠરાવ પાસ કરવામાં આવ્યો હતો. રામ જન્મભૂમિની સૌથી વિવાદિત ૨.૭ એકર જમીન પર ભવ્ય રામ મંદિરનું નિર્માણ કરવામાં આવે. સાથે જ આસપાસની ૬૭ એકર જમીન પર રામ માનવતા ભવનનું નિર્માણ થાય, જેમાં ધર્મોનાં ભવન જેવા કે મંદિર, મસ્જિદ, ચર્ચ, ગુરુદ્વારા વગેરે બને.

રાઉન્ડ ટેબલ ચર્ચા દરમિયાન ધાર્મિક વાટાઘાટો દ્વારા અયોધ્યાના બાબરી મસ્જિદ વિવાદના ઉકેલ અંગે ચર્ચા થઈ હતી. આ ચર્ચા દરમિયાન મુખ્ય પ્રસ્તાવ વર્લ્ડ પિસ યુનિવર્સિટીના ચેરમેન વિશ્વનાથ કરાડે રજૂ કર્યો હતો, જેના પર મોટા ભાગના લોકોએ સંમતિ આપી હતી. જોકે રામ જન્મભૂમિ ટ્રસ્ટના પૂર્વ અધ્યક્ષ રામ વિલાસ વેદાંતીને પ્રસ્તાવનો બીજો હિસ્સો પસંદ પડ્યો નથી અને તેમણે અસંમતિ દાખવી છે.

રામ વિલાસના જણાવ્યા અનુસાર કેન્દ્ર સરકારે રામ જન્મભૂમિ ટ્રસ્ટની ૬૭ એકર જમીનને અધિકૃત કરી હતી, અને આ જમીન ટ્રસ્ટને આપવામાં આવે. આ ૬૭ એકરમાં હોસ્પિટલ, શાળા કે અન્ય કોઈ સામાજિક કાર્યો માટે ભવનનું નિર્માણ કરવામાં આવે.
દરમિયાન આરિફ મહંમદ ખાને જણાવ્યું છે કે તેઓ બંને ધર્મને જોડતા આ પ્રસ્તાવને આવકારે છે. સાથે જ સ્વામી અગ્નિવેશે જણાવ્યું છે કે કોર્ટનો જે પણ ચુકાદો આવે તેનો તમામે સ્વીકાર કરવો જોઈએ. જો રામ મંદિરની તરફેણમાં ચુકાદો આવે તો મુસ્લિમોએ મંદિર બનાવવામાં સહકાર આપવો જોઈએ અને મસ્જિદની તરફેણમાં ચુકાદો આવે તો હિંદુઓ મસ્જિદ નિર્માણમાં મુસ્લિમોને સહકાર આપવો જોઈએ.

આ ચર્ચા બાદ એવું નક્કી કરવામાં આવ્યું હતું કે રામ મંદિર બનાવવાના ઠરાવને લઈને તમામ સ્ટેક હોલ્ડર્સ સાથે વાત કરવામાં આવે અને સર્વાનુમતિ સાધવાનો પ્રયાસ કરવામાં આવે કે જેથી આ મામલો અદાલતની બહાર પારસ્પારિક વાતચીત દ્વારા ઉકેલાઈ શકે. સુપ્રીમ કોર્ટે પણ અગાઉ જણાવ્યું છે કે આ મામલાને પારસ્પારિક વાતચીત દ્વારા ઉકેલી શકાય.

You might also like