અયોધ્યામાં આજે દીપોત્સવ: સરયૂ તટે ત્રણ લાખ દીપક થશે પ્રજ્વલિત

અયોધ્યા: રામમંદિર નિર્માણની ઉગ્ર બનતી માગણી અને રાજકીય ઊથલપાથલ વચ્ચે આજે ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ અયોધ્યામાં નાની દિવાળીની ઉજવણી કરશે. સીએમ યોગી આજે જ સ્ટેચ્યૂ ઓફ યુનિટીની તર્જ પર ૧પર મીટર ઊંચી ભગવાન શ્રીરામની મૂર્તિ સ્થાપવાની જાહેરાત પણ કરે તેવી શક્યતા છે.

યોગી સરકારે આ કાર્યક્રમને ભવ્યાતિભવ્ય બનાવવા માટે પૂરી તાકાત લગાવી દીધી છે. રામલીલા, ઝાંકી અને પ્રકાશોત્સવ જેવા રંગારંગ કાર્યક્રમોની પણ તૈયારી કરવામાં આવી છે.

આ વખતે અયોધ્યામાં દિવાળીની પૂર્વસંધ્યાએ ઊજવાતો નાની દિવાળીનો કાર્યક્રમ ઘણો મહત્ત્વનો છે. આ વખતના કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે સાઉથ કોરિયાનાં ફર્સ્ટ લેડી કિમ જોંગ સૂક આવવાનાં છે. આ ઉપરાંત રાજ્યપાલ રામ નાઈક અને બિહારના રાજ્યપાલ લાલજી ટંડન પણ કાર્યક્રમમાં હાજર રહેશે.

આ કાર્યક્રમ માટે અયોધ્યામાં જોરશોરથી તૈયારીઓ ચાલી રહી છે. સરયૂ નદીના તમામ ઘાટને સજાવવામાં આવ્યા છે. આંતરરાષ્ટ્રીય મહેમાનો આવવાના હોઈ સુરક્ષા વ્યવસ્થા પણ એકદમ સઘન બનાવી દેવામાં આવી છે.

ગત વર્ષે એક લાખ ૮ર હજાર દીપકથી ઊજવવામાં આવેલો દીપોત્સવ અયોધ્યા સહિત સમગ્ર દેશમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો હતો. આ વખતે સરયૂ તટે દીપનો આ રેકોર્ડ પણ તૂટી જશે તેવો દાવો કરવામાં આવ્યો છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર આજે રાત્રે લગભગ ત્રણ લાખ દીપથી સરયૂ તટને સજાવવામાં આવશે. આ તમામ દીપક ૪૦ મિનિટ સુધી પ્રજ્વલિત થશે.

રામમંદિર નિર્માણ મુદ્દે સંતોના આકરા વલણને જોતાં સમગ્ર દેશની નજર હવે આજે અયોધ્યા પર જ કેન્દ્રિત થયેલી છે. દિલ્હીમાં સાધુ-સંતોની બેઠકમાં સ્પષ્ટપણે જણાવી દેવાયું છે કે રામમંદિરથી ઓછું કંઈ પણ તેમને મંજૂર નથી.

બીજી તરફ સીએમ યોગી આદિત્યનાથ અગાઉ જ કહી ચૂક્યા છે કે આ દિવાળી પર તેઓ ખુશખબર લઈને અયોધ્યા જઈ રહ્યા છે. યોગીની ખુશખબરીથી સંત સમાજ શાંત થાય છે કે નહીં તે પણ જોવાનું રહેશે.

આજે બપોરના ૧ર વાગ્યાથી અયોધ્યા મહાવિદ્યાલયથી એક ભવ્ય શોભાયાત્રા નીકળી હતી, જેમાં ભગવાન રામના જીવનની ઝલક દર્શાવવામાં આવી હતી. સાંજે સરયૂ નદીના કિનારે મહાઆરતી થશે અને બાદમાં લેસર શો અને આતશબાજીના કાર્યક્રમથી આજના સમારંભનું સમાપન થશે.

સાંજના ૪થી ૪.૩૦ સુધી ભગવાન રામ અને સીતા મૈયા પુષ્પક વિમાન દ્વારા રામકથાપાર્કમાં પ્રવેશશે. સીએમ યોગી તમામ મહેમાનો સાથે ભગવાનનું સ્વાગત કરશે. અહીં ભગવાન રામનો રાજ્યાભિષેક પણ કરવામાં આવશે.

સાંજના ૪.૪પથી એક કલાક સુધી સીએમ, રાજ્યપાલ અને સાઉથ કોરિયાનાં ફર્સ્ટ લેડી તેમનાં ભાષણ આપશે. સાંજના ૬.૧પથી સરયૂની આરતી થશે, ત્યારબાદ દીપોત્સવ કાર્યક્રમ યોજાશે.

You might also like