અયોધ્યા કેસઃ મધ્યસ્થતા પેનલને SCએ આપ્યો 15 ઓગસ્ટ સુધીનો સમય

નવી દિલ્હીઃ અયોધ્યા જમીન વિવાદ કેસમાં મધ્યસ્થીની પ્રક્રિયાના આદેશ બાદ આજે પહેલી વખત સુપ્રીમ કોર્ટે સુનાવણી હાથ ધરીને મધ્યસ્થતા પેનલની વધુ સમય આપવા માટેની માગણીનો સ્વીકાર કરીને સુપ્રીમ કોર્ટે અયોધ્યા વિવાદના ઉકેલ માટે રચવામાં આવેલ આ મધ્યસ્થતા પેનલને ૧૫ ઓગસ્ટ સુધીનો સમય આપ્યો છે. આજે આ કેસની સુનાવણી કરતાં સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે તે મધ્યસ્થતા પેનલને લઈને આશાવાદી છે.

આ અગાઉ મધ્યસ્થતા પેનલે સુપ્રીમ કોર્ટને પોતાનો રિપોર્ટ સીલબંધ કવરમાં સુપરત કર્યો હતો અને પેનલે આ કેસમાં સમાધાન પર વાતચીત માટે કેટલોક સમય માગ્યો હતો. મુખ્ય ન્યાયમૂર્તિ રંજન ગોગોઈની અધ્યક્ષતામાં પાંચ જજની બંધારણીય બેન્ચે આ કેસની પ્રથમવાર સુનાવણી કરીને મધ્યસ્થતા પેનલને મધ્યસ્થતાની પ્રક્રિયા સંપન્ન કરવા માટે પેનલની વિનંતી મુજબ ૧૫ ઓગસ્ટનો સમય આપ્યો હતો. આમ હવે અયોધ્યાનો મામલો ૧૫ ઓગસ્ટ સુધી પાછો ઠેલાયો છે.

સુનાવણી દરમિયાન મુખ્ય ન્યાયમૂર્તિ રંજન ગોગોઈએ જણાવ્યું છે કે આ કેસમાં મધ્યસ્થતાની પ્રક્રિયા ક્યાં સુધી પહોંચી તેની માહિતી અમે જાહેર કરી શકીએ નહીં. તેને ગોપનીય રાખવામાં આવશે. બીજી બાજુ અયોધ્યા કેસમાં હજુ ૧૩૫૦૦ પાનાંનો અનુવાદ કરવાનો બાકી છે. મુસ્લિમ પિટિશનરોએ અનુવાદ સામે સવાલ ઉઠાવતા જણાવ્યું હતું કે અનુવાદમાં ઘણી ભૂલો છે.

ત્યાર બાદ મુસ્લિમ પક્ષકારોએ પોતાના વાંધા લેખિતમાં આપવા મંજૂરી આપી છે. હવે ૧૫ ઓગસ્ટ બાદ જાણવા મળશે કે મધ્યસ્થતા પ્રક્રિયા દ્વારા શું સિદ્ધ થયું છે, કારણ કે અદાલતે એવો આદેશ આપ્યો હતો કે પ્રક્રિયા સંપૂર્ણપણે ગોપનીય રાખવામાં આવશે. કેસની સુનાવણી ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ, જસ્ટિસ એસ.એ. બોબડે, ડી.વાય. ચંદ્રચૂડ, અશોક ભૂષણ અને એસ. અબ્દુલ નજિરની બંધારણીય બેન્ચ કરશે.

આજની સુનાવણીથી સ્પષ્ટ થઈ જશે કે મધ્યસ્થી પ્રક્રિયાથી શું મળ્યું. કેમ કે સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો હતો કે, પ્રક્રિયા સંપૂર્ણ રીતે ગુપ્ત હોવી જોઈએ. આ અગાઉ ૮ માર્ચે અયોધ્યાની જમીન પર માલિક હકના વિવાદને હલ કરવા માટે સુપ્રીમ કોર્ટે મધ્યસ્થીની મંજૂરી આપી હતી. મધ્યસ્થીની ત્રણ સભ્યોની કમિટીમાં જસ્ટિસ ઈબ્રાહીમ ખલીફુલ્લા, વકીલ શ્રીરામ પંચુ અને ધર્મગુરુ શ્રી શ્રી રવિશંકરનો સમાવેશ થાય છે.

આ કમિટીના ચેરમેન જસ્ટિસ ખલીફુલ્લા છે. આ કમિટીને આઠ સપ્તાહમાં પોતાનો રિપોર્ટ રજૂ કરવા જણાવાયું હતું. સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે, મધ્યસ્થી પર કોઈ મીડિયા રિપોર્ટિંગ કરવામાં નહીં આવે. મધ્યસ્થીની પ્રક્રિયા ફૈજાબાદ ખાતે કરવાનો આદેશ કોર્ટે આપ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, અયોધ્યામાં ભગવાન રામનાં જન્મસ્થાનની ૨.૭૭ એકર જમીન અંગે છેલ્લાં ૭૦ વર્ષથી વિવાદ ચાલ્યો આવે છે. સુપ્રીમ કોર્ટે તેના આદેશમાં જણાવ્યું હતું કે, મધ્યસ્થીની પ્રક્રિયા સંપૂર્ણ ગુપ્ત હોવી જોઈએ. કોઈ પણ મીડિયા (પ્રિન્ટ અને ઈલેક્ટ્રોનિક બંને) આ કાર્યવાહીનું રિપોર્ટિંગ ન કરવું જોઈએ. સુપ્રીમે જે આઠ સપ્તાહનો સમય આપ્યો હતો તે ૩ મેનાં રોજ સમાપ્ત થઈ ગયો છે.

You might also like